શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (12:55 IST)

અમદાવાદમાં માત્ર ૨૦ દિવસમાં ઝાડા-ઊલટીના ૬૨૯ કેસ

શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના નવા કેસો સપાટી પર આવ્યા છે. હાલમાં વરસાદી માહોલ છવાયો છે. આ પહેલા ભીષણ ગરમી પડી હતી. જુલાઈ મહિનામાં તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં ઝાડા-ઊલટીના ૬૨૯ અને ટાઈફોઈડના ૪૩૦ કેસ સપાટી પર આવ્યા હતા. જ્યારે કમળાના ૨૭૦ કેસ નોંધાઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના ૨૦મી જુલાઈ સુધીના ગાળામાં ઝાડા-ઊલટીના મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. જૂન, ૨૦૧૯માં કોલેરાના ૧૫ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. 
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો છેલ્લા ૨૦ દિવસના ગાળામાં સાદા મલેરિયાના સત્તાવાર રીતે ૨૭૬ કેસ અને ઝેરી મલેરીયાના ૧૩ કેસ નોંધાયા હતા. જુલાઈ ૨૦૧૮માં ૧૬૦૮૦ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૨૦મી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૮૫૯૪૬ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. જુલાઈ ૨૦૧૮માં ૩૪૦૭ સિરમ સેમ્પલની સામે છઠ્ઠી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૧૨૫૬ સિરમ સેમ્પલ લેવાયા હતા. અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે જેમાં ક્લોરિન ટેસ્ટ, બેક્ટીરીયોલોજિકલ તપાસ માટે પાણીના નમૂના, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓનું જુદા જુદા વિસ્તારમાં વિતરણ પણ કરવામાં આવ્યું હતું.