1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 નવેમ્બર 2019 (13:33 IST)

અમદાવાદમાં ઈદના દિવસે પોલીસની શરતો પ્રમાણે જુલુસ કાઢી શકાશેઃ હાઈકોર્ટ

ઇદના દિવસે જુલૂસ કાઢવા મંજૂરી માગવા કરવામાં આવેલી અરજી હાઇકોર્ટે ફગાવી છે. પોલીસ કમિશનર દ્વારા જે શરતોે મુજબ જુલૂસ માટે મંજૂરી આપવામાં આવે તેને આધિન જ જુલૂસ જ કાઢી શકાશે. હાઇકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે થતા પ્રયત્નોમાં કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે.ઇદ-એ- મિલાદુનબ્બી (સેન્ટ્રલ) કમિટી (અમદાવાદ)એ ઇદ-એ- મિલાદના દિવસે જુલૂસ કાઢવા માટે મંજૂરી નહીં મળતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમાં એવી રજૂઆત કરી હતી કે, આગામી 10મી નવેમ્બરે ઇદના દિવસે પોલીસ અને સરકાર પાસે જુલૂસ કાઢવા મંજૂરી માંગતી અરજી કરી છે. પરંતુ હજુ સુધી જુલૂસની મંજૂરી આપી નથી. 40 વર્ષથી તેમની કમિટી શહેરમાં શાંતિપૂર્ણ રીતે જુલૂસ કાઢી રહી છે. તો બીજી તરફ પોલીસે અન્ય કમિટિને જુલૂસ કાઢવા મંજૂરી આપી છે. બન્ને કમિટિ વચ્ચે આ મામલે ગજગ્રાહ ચાલી રહ્યો છે. અરજદાર કમિટીએ તેમને જુલૂસ માટે મંજૂરી મળે તેની દાદ માંગી હતી. અરજદાર વતી એડવોકેટ ખેમચંદ કોષ્ઠીએ એવી દલીલ કરી હતી કે, ગયા વર્ષે પણ ઇદની આગલી રાત્રે પોલીસે મંજૂરી આપી હતી જેના કારણે યોગ્ય અને પૂરતી તૈયારી થઇ શકી નહોતી. આ વર્ષે પણ પોલીસે હજુ સુધી મંજૂરી આપી નથી. મંજૂરી નહીં મળવાને લીધે કોર્પોરેશન પાસેથી લાઇટિંગ, લાઉડ સ્પીકર અને સ્ટેજ બનાવવા જેવા કામોની મંજૂરીનું કામ પણ અટકી ગયું છે.હાઇકોર્ટે ચુકાદામાં ઠેરવ્યુ છે કે, શહેરમાં બે કમિટિને જુલૂસ કાઢવા મંજૂરી આપી શકાય નહીં. પોલીસે એક કમિટીને મંજૂરી આપી દીધી છે.