શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 નવેમ્બર 2018 (11:48 IST)

'અમદાવાદ' નામ બદલીને 'કર્ણાવતી' કરવાના વિરોધમાં રિટ કરાઈ

'અમદાવાદ' નામ ને ઇન્ટેજીબલ કલ્ચરલ હેરિટેજ તરીકેની ઓળખ તેમજ સંરક્ષણ માગણી કરતી પીટિશન ગુજરાત હાઇકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી છે. 'અમદાવાદ' શહેરનું નામ બદલીને 'કર્ણાવતી' કરવાના કેટલાંક નેતાઓના નિવેદનોના વિરોધમાં આ અરજી કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ કોઈ સત્તાધિશ પક્ષ શહેરનું નામ બદલવા અંગે પગલાં ન લે તેવું સંરક્ષણ 'અમદાવાદ' નામને અપાવવાની માગણી અરજીમાં કરાઈ છે.શહેરનું નામ બદલવા અંગે સરકારે કોઈ પ્રસ્તાવ કે યોજના તૈયાર કરી છે કે નહીં તેની માહિતી હાઇકોર્ટે અરજદાર પાસેથી માગી છે. જેનો જવાબ રજૂ કરવા માટે સમયની માગણી કરાતા વધુ સુનાવણી બે સપ્તાહ પછી રાખવામાં આવી છે. 
અરજદારની રજૂઆત છે કે તાજેતરમાં સત્તાધિશ રાજકીય પક્ષના કેટલાંક નેતાઓએ જાહેરમાં એવા નિવેદન કર્યા હતા કે 'અમદાવાદ' શહેરનું નામ બદલીને 'કર્ણાવતી' કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી એ પણ 'અમદાવાદ'નું નામ બદલવા અંગે નિવેદન આપ્યું હતું.  અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે છેલ્લી ૬ સદીથી 'અમદાવાદ' નામ એ આ શહેર અને શહેરના લોકો સાથે જોડાયેલું છે. આ નામના કારણે અહીંના લોકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ મળી છે. 'અમદાવાદ' નામ એ આ શહેર અને અહીંના લોકોની અસ્મિતાનું અભિન્ન અંગ છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે રાજ્ય સરકારે યુનેસ્કો સમક્ષ રજૂ કરેલા 'ડોઝિયર' એટલે કે વિસ્તૃત પ્રસ્તાવમાં આ સમગ્ર બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 
આ નામ અહીંના નાગરિકોની અભિન્ન ઓળખ છે. જ્યારે 'અમદાવાદ'નું નામ કર્ણાવતી હોવાની બાબતને ઐતિહાસિક સમર્થનો કોઈ દસ્તાવેજમાં મળતું નથી. ભવિષ્યમાં પણ અન્ય સત્તારૃઢ પક્ષ 'અમદાવાદ' નામમાં કોઈ ફેરફાર ન કરી શકે તે માટે 'અમદાવાદ' નામને જ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવો જોઈએ. હાઇકોર્ટે અરજદારને પૂછ્યું હતું કે રાજ્ય સરકાર કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરનું નામ બદલવા અંગે કોઈ પ્રસ્તાવ કે આયોજન તૈયાર કર્યું છે કે નહીં. માત્ર રાજકીય નેતાઓના નિવેદનોને આ પ્રકારના કેસનો આધાર ગણી શકાય નહી. રાજ્ય સરકારે કે મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ લેખિત પ્રસ્તાવ તૈયાર કર્યો છે કે નહીં તે અંગેની રજૂઆત માટે હાઇકોર્ટે અરજદારને બે અઠવાડિયાનો સમય આપ્યો છે.