ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ડિસેમ્બર 2019 (16:17 IST)

BRTS ટ્રેકમાં હવે ખાનગી વાહનો નહીં પ્રવેશી શકે, સેન્સરથી ચાલતા ગેટ મૂકાયા

અમદાવાદ શહેરમાં BRTS કોરિડોરમાંથી જતા ખાનગી વાહનોથી અકસ્માતો રોકવા માટે RFID ગેટ્સ લગાવવામાં આવ્યાં છે. જેના કારણે હવે ખાનગી વાહનો બીઆરટીએસ લેનમાંથી પસાર નહીં થઇ શકે. શહેરનાં મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ આજે પોતાના ટ્વિટર પર માહિતી આપી છે કે, 6 મહિના પહેલા બીઆરટીએસ ટ્રેકમાં ખાનગી વાહનો ન પ્રવેશે તે માટે RFID ગેટ્સ લગવવાનું નક્કી કર્યું હતું.

આજે 30 જેટલા ગેટ્સનું નિરીક્ષણ કર્યું છે. આવતા સપ્તાહમાં પણ અન્ય ગેટ્સનું નિરીક્ષણ કરવામાં આવશે. મહત્વનું છે કે, બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતોને રોકવા માટે આરએફઆઇટી ટેક સંચાલિત ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 15 બસસ્ટેશન પર સ્વિંગ ગેટ લાગી ચૂકેલા છે એટલે હવે બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો માટે નો-એન્ટ્રી થશે.આ સાથે ફાયર, એમ્બ્યુલન્સ, પોલીસનાં ઇમર્જન્સી વાહનોને બીઆરટીએસ કોરિડોરમાંથી નિર્વિઘ્ને પસાર થવા માટે RFID ટેગ મેળવી લેવાની સૂચના અપાઈ છે. ગુજરાત એસટી વિભાગ માટે પણ આ આરએફઆઇડી ટેગ ફરજિયાત કરાયા છે. તંત્ર દ્વારા ટેકનોક્રેટ કંપનીને આશરે રૂ. 6 કરોડનો સ્વિંગ ગેટ પ્રોજેક્ટ અપાયો છે. શહેરમાં બીઆરટીએસનાં કુલ 153 બસ સ્ટેશન હોઈ આગામી જાન્યુઆરી, 2020 ના અંત સુધીમાં તમામે તમામ 153 બસ સ્ટેશનને સ્વિંગ ગેટથી આવરી લેવાશે. કુલ 15 બસસ્ટેશન પર કુલ 30 સ્ટિંગ ગેટ લાગી ગયા છે.થોડા દિવસથી બીઆરટીએસના કોરિડોરમાં ખાનગી વાહનો પર કડક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આમ છતાં જો આવા વાહનો પ્રવેશ કરશે તો દ્વિચકી અને થ્રીચકી વાહન પાસેથી રૂ. 1500, હળવા એટલે કે, લાઇટ મોટર વ્હિકલ પાસેથી રૂ. 3000 અને અન્ય વાહનો પાસેથી રૂ. 5000નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. આ સાથે 50 કિમીની સ્પીડની ગતિમર્યાદાનો ભંગ કરવામાં આવશે તો બસ ઓપરેટર પાસેથી પ્રત્યેક બનાવદીઠ રૂ. 1 લાખની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. જેનું અમલીકરણ પણ શરૂ કરી દીધું છે.