1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 ઑગસ્ટ 2023 (17:39 IST)

પતિએ પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા, કહ્યું ઘરમાં પાછું આવવું હોય તો તારા બાપ પાસેથી 25 લાખ લઈ આવજે

અમદાવાદમાં લગ્ન બાદ પત્નીને બે મહિના સુધી સારી રીતે રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેઠાણી, સાસુ અને નણંદે કામમાં વાંધા કાઢીને પરીણિતાને મન ફાવે તેમ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. પરીણિતાના પતિને બીજી કોઈ મહિલા સાથે સંબંધ હોવાથી તેણે બીજા લગ્ન કરી લીધા હતાં. જ્યારે આ બાબતે પરીણિતાએ વાંધો ઉઠાવ્યો તો ઘરના સભ્યોએ તેને માર માર્યો હતો. તેના પતિએ તેને કહ્યું હતું કે, જો ઘરમાં આવવું હોય તો તારા બાપ પાસેથી 25 લાખ રૂપિયા લઈને આવજે. સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી પરિણિતાએ ખાડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે,મારા લગ્ન મુસ્તકીમ મહેમુભાઇ રંગરેજ સાથે સમાજના રીતે રીવાજ મુજબ થયેલા અને મારા લગ્નબાદ  હું મારી સાસરીમાં મારા પતિના ઘરે રહેવા માટે ગયેલ અને હું મારી મારા સાસુ તથા સસરા મારા બે જેઠ, મારી બે જેઠાણીઓ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. મારા લગ્નના શરૂઆતના બે મહીના સુધી મને મારી સાસરીમાં સારી રીતે રાખેલ અને લગ્નના બે મહીના બાદથી મારા મોટા જેઠાણી જ્યારે હું રસોઇ બનાવવા માટે ઉભી થાઉં ત્યારે મારા હાથમાંથી રસોઈ બનાવવાની સામગ્રી ખેંચી લેતા હતા અને મને કહેતા હતા કે તને જમવાનું બરાબર બનાવતા આવડતું નથી. તારી મા એ તને કંઈ શીખવાડ્યું નથી. આ બાબતે હું મારી સાસુને કહેતા તેઓ પણ મારી જેઠાણનું ઉપરાણુ લઈને મને જેમફાવે તેમ બોલતા હતા અને મારી નણંદ તથા મારા સાસુ હું જ્યારે ઝાડુ પોતુ કરતી હોઉં ત્યારે મારી પાછળ પાછળ ફરી તને કંઇ કામ કરતા આવડતુ નથી તેવું કહેતા હતા તેમજ મોટા જેઠાણી તથા સાસુ તથા નણંદ ઘરકામ કરવા બાબતે મને અવારનવાર મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતા હતા. 
 
ગત 30 જુલાઈએ મારા પતિ ઘરે આવેલા અને તેમણે મને જણાવેલ કે મારે રામોલ ખાતે રહેતી સફીના સાથે પ્રેમસંબંધ છે. જેથી મેં મારા પતિને કહેલ કે આપણા લગ્ન થઈ ગયેલ છે તો તમે આવી વાત કેમ કરો છો. મારા પતિ મારા ઉપર એકદમ ગુસ્સે થઈ ગયેલા અને મને બિભત્સ ગાળો બોલી મને ધક્કો માર્યો હતો જેથી હું નીચે પડી ગઈ હતી મને કમરના ભાગે ઇજા થયેલ જેથી મેં ગોળલીમડા ખાતે આવેલ હાડવૈધને ત્યાં સારવાર લીધેલ ત્યારબાદ હું મારા પીયરમાં ગયેલ અને આ બાબતે મેં મારા મમ્મી પપ્પા નવા મારા મોટા બાપાના દિકરાને આ બાબતેની વાત કરેલ પરંતુ મારો ઘરસંસાર બગડે નહીં તે આશયથી તેઓએ મને સમજાવી પરત મારી સાસરીમાં મોકલેલ ત્યારબાદ હું મારી સાસરીમાં હતી.ત્યારે મારા પતિ ઘરે આવેલ નહીં અને તેઓ બે ત્રણ દિવસ સુધી ઘરે ના આવતા મેં મારા સાસુ સસરાને પુછતા તેઓએ મને કહેલ કે મુસ્તકીમ કોઇ છોકરીને લઇને જતો રહ્યો છે. 
 
ત્યારબાદ મારા પતિ ઘરે પરત આવેલ અને તેમણે મને કહેલ કે મેં સફીના સાથે લગ્ન કરેલ છે અને હું તેની સાથે રહીશ તેવુ કહેતા મેં તેનો વાંધો ઉઠાવતા મારા પતિ મારી સાથે ઝગડો કરવા લાગેલ અને આ વખતે મારા પતિનું ઉપરાણું લઈ મારા સાસુ-સસરા તથા મારા નણંદ તથા મારા બંને જેઠ તથા બંને જેઠાણીઓ આવી ગયેલા અને મારા સસરા મારા પતિનું ઉપરાણુ લઈ મને ગાળો બોલવા લાગેલ જેથી મેં મારા સસરાને ગાળો બોલવાની ના પાડતા ત્યાં હાજર મારા બંને જેઠ તથા બંને જેઠાણીઓ તથા મારા સાસુ તથા મારા નણંદ મારા ઉપર ઉશ્કેરાઇ ગયેલ અને મને ગડદાપાટુનો માર મારેલ અને આ તમામે મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને આ વખતે મારા પતિએ મને કહેલ કે જો તારે પાછુ આવવું હોય તો એ મારા ધંધામાં રોકાણ કરવા માટે તારા પિતાના ત્યાંથી રૂપિયા પચ્ચીસ લાખ લેતી આવજે તેમ કહી મને ઘરેથી કાઢી મુકી હતી.ત્યારબાદ હું મારા મમ્મી-પપ્પાના ઘરે જતી રહેલ અને ત્યારબાદથી હું મારા પીયરમાં રહું છું.