અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાશે
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. હવે બન્ને નેતાઓ ભાજપમાં જોડાશે. રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે અત્યાર સુધીમાં ભાજપના કુલ 78 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બંને ઉમેદવારોની આસાન જીતનો વિશ્વાસ વ્યક્ત કરી કોંગ્રેસને આડેહાથ લીધી. જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ હોર્સ ટ્રેડિંગની વાતો કરે છે. પરંતુ જો તેમની વાત સાચી હોય તો તે ચૂંટણી પંચને કેમ ફરિયાદ નથી કરતી. કોંગ્રેસના ધારાસભ્યો સાચવવાની જવાબદારી તેમની છે.કોંગ્રેસના ધારાસભ્યો બાલારામ રિસોર્ટમાં મજા માણવા ગયા હતા તેવું ખુદ કોંગ્રેસના જ નેતાઓ કહે છે. કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગની બીક છે પરંતુ કોંગ્રેસના ઘણા ધારાસભ્યો જનતાના મુડ સાથે હોય છે.રાજ્યસભાની ચૂંટણીમાં સૌ કોઇની નજર અલ્પેશ ઠાકોર પર છે. ત્યારે અલ્પેશ ઠાકોર મતદાન માટે વિધાનસભા પહોંચ્યા હતા. અહીં તેમને લેવા માટે ભાજપના દંડક પંકજ દેસાઇ આવ્યા હતા. જે બાદ અલ્પેશ ઠાકોરે પંકજ દેસાઇની ઓફિસમાં બંધ બારણે તેમની સાથે બેઠક યોજી હતી.