શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2023 (13:34 IST)

‘ડાંગ દરબાર’ આવે એટલે ઈતિહાસના પાનાઓ આપોઆપ ફરવા માંડે

સોળમી સદી સાથે જોડાયેલા ડાંગ પ્રદેશના રાજ અને રજવાડાઓની વાતો નવી પેઢી માટે
 
‘ડાંગ દરબાર’ આવે એટલે ઈતિહાસના પાનાઓ આપોઆપ ફરવા માંડે, કાળના ગર્ભમાં દફન ઈતિહાસ ફરી વાર નજર સમક્ષ બેઠો થઈને, નવી પેઢીનું માર્ગદર્શન કરે તે સ્વાભાવિક છે. ડાંગના ઈતિહાસકાર અને સંશોધનકર્તા માજી ધારાસભ્ય એવા બુઝુર્ગ ગોવિંદભાઈ પટેલે પણ ઈતિહાસમાં ખેડાણ કરતાં, કેટલીક અધિકૃત સામગ્રીઓને સંકલિત કરી, તેને પુસ્તકદેહ આપવાનો ભગીરથ પ્રયાસ આદર્યો છે. પુસ્તક પ્રકાશિત થાય તે અગાઉ, તેમણે ખૂબ મોટુ મન રાખીને ઈતિહાસના કેટલાક અંશો આ વેળાના ડાંગ દરબારમાં નવી પેઢી સમક્ષ ઉજાગર થાય, તો તેમને કોઈ વાંધો ન સેવાની સંમતિ આપી છે, ત્યારે આવો આપણે સૌ ઈતિહાસની એ વણખેડાયેલી વાટની સફરનો આનંદ માણીએ. 
 
સંશોધનકર્તા ગોવિંદભાઈ પટેલ લખે છે કે, ડાંગ પ્રદેશ, ધરતી ઉપરનો એક રળિયામણો અને સુંદર બગીચો છે. મધ્ય પશ્ચિમ ભારત ખંડનો સાતપુડા અને સહ્યાદ્રી પર્વત માળાનો પહાડી, સમૃધ્ધ ગાઢ જંગલોથી ભરપુર આ કુદરતી, સુંદર મનમોહક બગીચામાંથી નાની-મોટી નદીઓ ખળખળ વહે છે. અહીં રહેતા માનવ, જંગલી પ્રાણી અને જીવજંતુઓનું આશ્રય સ્થાન, મનને હરી લે છે. લોકો ભલા ભોળા, સમજદાર, પ્રમાણિક અને ખડતલ છે. સાથે વફાદાર અને બુધ્ધિશાળી પણ છે, તથા સંપથી રહે છે. આ સહ્યાદ્રી વિસ્તારમાં ભીલોની સંખ્યા વધુ, તેથી ભીલ મુખિયાઓ બનતા ગયા. પાછળથી રાજા થયા. ડાંગના રાજાઓ અને પ્રજા ડાંગની ભૂમિ અને જંગલને પ્રાણથી પણ વધુ ચાહતા હતા. બીજાની દખલગિરી સહન કરતા ન હતા. 
 
સમય જતાં સાતપુડા અને બાગલાણ સ્ટેટના સહ્યાદ્રી વિસ્તારમાં ૨૩ જેટલા નાના-મોટા ભીલ રાજાઓ ઉભા થયા. જેમાં ૫ રાજાઓ, નાઇકો ડાંગમાં થયા. રાજાઓના રહેણાંકના આધારે ડાંગમાં નાના-નાના પાંચ રાજય બન્યા. ૧. ગાઢવી ૨. લીંગા ૩. દહેર ૪. વાસુર્ણા અને ૫. પિંપરી. આ પાંચ રાજાઓ ઉપરાંત ૧. કિરલી ૨. શીવબારા ૩. ચિંચલી ૪. અવચર ૫. પોળસવીહીર ૬. પીપલાઈદેવી ૭. વાડીયાવન ૮. બીલબારી અને ૯. ઝરી (ગારખડી) વગેરે નવ નાઇકો રાજ વહીવટ કરતા થયા. ડાંગ અવિકસિત પહાડી જંગલ વિસ્તાર હોઈ, તેને બહારના લોકો અંધારિયા ખંડ તરીકે ઓળખતા. જે પાછળથી આદિવાસી વિસ્તાર તરીકે ગણાયો. ભીલ રાજાઓ, નાયકોમાં સર્વ ગોવિંદ નાઈક, દશરથ નાઇક, રૂપસિંગ નાઈક, જીવાજી નાઈક, કાળુ નાઈક અને ગાઢવીના શિલપત સિંગ વગેરે ડાંગના રાજા, નાઇકો હતા. 
 
આ રાજાઓ ડાંગનો વહિવટ કરતા હતા. ૧૮૭૮ માં ડાંગ ખાનદેશ પ્રાંતમા સમાવિષ્ટ હતુ, તે પછી ૧૯૪૭ માં મુંબઈ રાજ્યમાં ડાંગના પાંચ રાજ્યોને એક સમૂહ સ્ટેટ (ધ ડાંગ્સ) તરીકે ગણી, ડાંગને જિલ્લાનું સ્થાન આપ્યું, અને તેનો વહીવટ મુંબઈ રાજય સરકાર હસ્તક શરૂ કર્યો. ઉપરોકત રાજાઓ અને નાઈકો રાજ્યનો રાજ વહીવટ ચલાવતા. અહીના લોકો લાકડા અને વાંસમાથી બનાવેલા કાચા ઘરો તથા ઝૂપડામાં રહેતા હતા. તેઓ જંગલમાથી કંદમૂળ તથા પશુ-પક્ષીઓ અને માછલીનો શિકાર કરી જીવન નિર્વાહ કરતા. સમય જતાં ડાંગની આજુ બાજુ ખેતીના પાકો થતા હોવાનું જાણવા મળતાં જીવન નિર્વાહમાં અનાજ, કઠોળ, તેલીબિયા, મીઠું, મરચા, મસાલા વગેરેનો ઉપયોગ કરવા લાગ્યા. આજુ બાજુ થતી ખેતીથી પ્રેરિત થઈ, આ વિસ્તારમાંથી ખેતીના જાણકાર લોકોને રાજાઓએ બોલાવી, પોતાની જમીનમાંથી ખેતી કરવા જમીનનો ભાગ આપ્યો. જેથી રાજાની જમીનમાં લોકો ખેતી કરતાં થયા. અનાજ, કઠોળ, અને તેલીબીયાં, ફળ, ફુલ વગેરે ખેત ઉત્પાદનમાંથી રાજાઓ, નાઈકો, કુંવરો અને સિપાહીઓને ભાગ આપતાં. 
 
તે સમયમાં ખેતીના જાણકારોમાં મુખ્યત્વે કુનબી, કુંક્ણા, વારલી, ગામીત, કાથોડિયા વગેરેનો સમાવેશ થતો હતો. આમ, આ બધી જાતિના લોકોથી ડાંગની વસ્તીમાં વધારો થતાં ખેતી કરનારની સંખ્યામા વધારો થયો. ખેત ઉત્પાદન જોઈને કેટલાક ભીલ લોકો પણ અનાજ, કઠોળ અને અન્ય ધાન્ય તેમજ તેલીબીયાં વિગેરેની ખેતી કરતાં થયાં. પ્રજા સૌ સાથે મળીને સંપથી રહેતા અને રાજાનુ માન-સન્માન પણ જાળવતા. આમ, ધીરે ધીરે તેઓ પડોશી પ્રદેશો સાથે પણ સંપર્કમાં આવતા થયા. ભીલ રાજાઓના રાજ વહીવટમાં (૧) રાજા (૨) પ્રધાન (૩) નાઈક (૪) કુંવર (૫) સિપાહી (૬) ખૂંટીવાળા (૭) પાટીલ (ગ્રામકક્ષાના) (૮) કારભારી (૯) જાગલીયા (વેઠીયો) વગેરે હતા. ઉપરોક્ત હોદેદારો લોકો સાથે વ્યવહાર ચલાવતા તેમજ ઝઘડા, ખૂન, વિવાદો વગેરેનો નિકાલ કરતાં, જરૂર પડયે અસામાજિક તત્વોને શિક્ષા કરતાં. આ અંગે રાજાનો નિર્ણય આખરી નિર્ણય રહેતો. 
 
અહી નોંધનીય એ છે કે રાજા ભીલ જાતિના હોવા છતાં, કુકણા, કુનબી, વારલી, ગામીત અને કથોડિયા લોકો ભીલ લોકો સાથે બેટી વ્યવહાર રાખતા ન હતા. લોકો અભણ હોવા છતાં હોશિયાર હતાં. તીરકામઠાં, ધાતુ અને પથ્થરના શસ્ત્રો/હથિયારો ઉપયોગમાં લેતાં. કપડા સામાન્ય રીતે સાદા કપડા, ઝાડની છાલ, પાંદડાંનો ઉપયોગ કરતાં. વાસણમાં માટી અને ધાતુના વાસણ વાપરતાં. ખુબ જ સાદુ અને સામાન્ય પણ મોજ-શોકથી જીવન જીવતા. અહીના લોકો પ્રાકૃતિક પુજામાં માનતા હતા. 
વનસ્પતિઓની સારવાર લેતા, કુદરત ઉપર વિશ્વાસ કરતાં, પોતાની મસ્તીમાં રહેતા. ધરતી, ભગવાને ઉત્પન્ન કરી છે તેના ઉપર વસવાટ કરી અમારૂ જીવન સુખી છે, ધરતી પર પાલન પોષણ થાય છે, સુર્ય, ચંદ્ર તેજ પ્રકાશ આપે છે, જેથી ધરતીને માતા અને સુર્ય, ચંદ્રને મહાદેવ તરીકે માને છે. રામનો રામખંડ અને સીતાનો વનખંડ તરીકે ઓળખતા અહીંના ભીલો, પોતાને શબરીમાતાના વંશ જ ગણે છે. શબરીમાતાનું સ્થાનક સુબીર પણ આજ જિલ્લામા છે. ડાંગના રાજાઓ મોગલ કે અંગ્રેજો સામે ઝુક્યા નહી. તેઓ હંમેશા ખુમારી થી કહેતા, ‘આમ્હી કુનાને હાથખલ દબાયજન નીહી’