શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ઑગસ્ટ 2021 (08:55 IST)

વડોદરામાં માનીતાઓને આવાસની ફાળવણી કરવા ભાજપના જ કોર્પોરેટરોની ભલામણ, અંતે જૂથબંધીમાં ભાંડો ફૂટ્યો

પાલિકાની આવાસ યોજનામાં આવસોની ફાળવણી કરવામાં જાણીબૂઝીને ગરબડ કરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે ત્યારે તેની પાછળ ભાજપની આંતરિક જૂથબંધી કારણભૂત હોવાની બાબત સપાટી પર આવી છે અને આ આંતરિક લડાઈમાં ભાજપના જ કોર્પોરેટર અજિત દાધીચે ભાંડો ફોડતા મૂળ લાભાર્થીઓને સીધો ફાયદો થયો છે. અલબત્ત,માનીતાઓને આવાસ ફાળવવાની ભલામણો પાછળ ભાજપના જ કોર્પોરેટર કલ્પેશ પટેલ , મનોજ પટેલ, અજિત દાધીચના નામો દિવસભર ચર્ચામાં રહ્યા હતા. જો કે આ ત્રણે ભલામણ કર્યાનો ઇનકાર કર્યો હતો. મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલા ડ્રોમાં ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી છે ત્યારે કાર્યપાલક ઇજનેર પર ભાજપના જ મનોજ પટેલ, કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સહીત કેટલાક કોર્પોરેટરનું દબાણ આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસ દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજી નગર ગૃહ ખાતે 382 આવાસોનો ઓનલાઇન ડ્રો કર્યો હતો. જેના લાભાર્થીઅોમાંથી 42 નામો બદલી કઢાયા હતા. ડ્રોમાં ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ લીસ્ટ જાહેર થઇ ગયા બાદ 42 નામોમાં ફેરફાર કરી નવેસરથી યાદી પાલિકાની વેબસાઇટ પર ચડાવવા ફરજ પાડી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ ,સમગ્ર મામલો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચ્યો હતો. જેને પગલે કોઈપણની શેહશરમ રાખ્યા વિના તપાસ કરવા જણાવવામાં આવ્યું હોવાની વિગત પણ પ્રકાશમાં આવી છે. પાલિકાની સ્થાયી સમિતિના સભ્ય અને વૉર્ડ ન.4ના કોર્પોરેટર અજિત દાધિચે આવાસોના ડ્રોમાં કંઈક કાચું કપાયું હોવાની શંકા વ્યક્ત કરી હતી અને તરત જ સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીને ફરિયાદ કરી હતી. જેને પગલે સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હોવાની વાતો પાલિકા વર્તુળોમાં વહેતી થઇ હતી. દરમિયાન આવાસ ફાળવણી કૌભાંડમાં સંડોવાયેલા કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાને સસ્પેન્ડ કરવાનો સ્થાયી સમિતિએ શુક્રવારે સાંજે ઠરાવ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસે મ્યુ. કમિશનર સમક્ષ રજુઆત કરી એલઆઇજી-એમઆઇજીના આવાસોમાં પણ ગેરરીતિ થયાના આક્ષેપો સાથે કમિટિ રચીને તપાસ કરવાની માગ કરી છે.