શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2019 (13:10 IST)

જાણો ભાજપના કાર્યકરોએ ભાજપ સરકારના કયા મંત્રીને ગૃપમાંથી હાંકી કાઢ્યા

ભાજપે ભલે કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળિયાને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીપદે બેસાડી પોંખ્યા હોય પણ સ્થાનિક સ્તરે તેમનો વિરોધ વધી રહ્યો છે. સોમવારે ભાજપના પાયાના કાર્યકરોએ પેરાશુટ કુંવરજીને ટીમ- ભાજપ જસદણ ગ્રુપમાંથી રિમૂવ કરી કાઢયા હતા. ભાજપના ગ્રુપમાંથી મંત્રીની હકાલપટ્ટીના સમાચાર વાઈરલ થતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં જ્યાં પણ પેરાશુટ ઉતર્યા છે ત્યાંના સ્થાનિક ભાજપમાં હૈયાહોળી સળગી છે. રાજકોટના જસદણમાં કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ અને ધારાસભ્યપદ વગર મંત્રીપદની લ્હાણી થઈ ત્યારથી જ સ્થાનિક કાર્યકરોમાં વિરોધ હતો. તે વખતે પ્રદેશ ભાજપના નેતાઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાને સરકારી બોર્ડમાં ચેરમેનપદ આપીને સાચવી લીધા હતા. જો કે, ત્યારપછી લોકસભા ચૂંટણીમાં જસદણમાં ભાજપની લીડ ઘટતા વર્ષોથી ભાજપ માટે મહેનત કરનારા સ્થાનિક નેતા- કાર્યકરોમાં પેરાશુટ મંત્રી કુંવરજી બાવળિયા સામે વિરોધ તીવ્ર થયો હતો. તાજેતરમાં જ આ વિસ્તારમાં સરકારી લોકાપર્ણના કાર્યક્રમના આમંત્રણ પત્રિકામાંથી ડો.બોઘરાનું નામ કાપી દેવાતા સ્થાનિક ભાજપમાં કુંવરજી સામેના વિરોધમાં તેલ રેડાયુ હતુ. આ વિવાદની વચ્ચે નવા સંગઠનની રચનાટાણે જ ટીમ ભાજપ- જસદણ નામના વોટ્સએપ ગ્રુપમાંથી કબિનેટ મંત્રી કુંવરજીને સ્થાનિક કાર્યકરે રિમૂવ કરતા ભાજપના સેંકડો વોટ્સએપ ગ્રુપોમાં હોહા મચી છે.