રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2023 (13:34 IST)

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં દરેક ખંડમાં CCTV કેમેરા ગોઠવાયા, ડમી ઉમેદવાર કેન્દ્ર સુધી નહીં પહોંચી શકે

તમામ અધિકારીઓ, કર્મચારીઓની ટ્રેનિંગ પૂર્ણ 32 જિલ્લામાં 500થી વધુ સ્કવોડ રાખશે નજર
 
ઉમેદવારો 11.45 પહેલા કેન્દ્ર પર પહોંચી જાય દરેકની વીડિયોગ્રાફી થશે
 
ગાંધીનગરઃ આખરે આવતીકાલે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાશે. આ પરીક્ષાને લઈને GPSSBના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક પરીક્ષા ખંડમાં CCTV કેમેરા ગોઠવાયા છે. ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસ કરાયા છે. ડમી ઉમેદવાર કેન્દ્ર સુધી નહીં પહોંચી શકે. ઉમેદવારો 11.45 પહેલા કેન્દ્ર પર પહોંચી જાય તે રીતે તૈયારી કરશે. ઉમેદવારોની વીડિયોગ્રાફી થશે. તમામ અધિકારીઓ, કર્મચારીઓની ટ્રેનિંગ પૂર્ણ થઇ ગઇ છે. 32 જિલ્લામાં 500થી વધુ સ્કવોડ નજર રાખશે. રાજ્યભરમાં 9 લાખ જેટલા ઉમેદવારો જુનિયર કલાર્કની પરીક્ષા આપવાના છે.
 
પોલીસ બોડીઓન કેમેરા સાથે તહેનાત રહેશે
હસમુખ પટેલે જણાવ્યું છે કે, પરીક્ષા કેન્દ્રના પરિસર અને લોબીમાં સીસીટીવી કેમેરા હશે. પોલીસ બોડીઓન કેમેરા સાથે પરીક્ષાની કામગીરીમાં તહેનાત રહેશે. સેવાભાવી લોકો અને સ્વેછિક સંસ્થાઓએ પણ ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી છે. પોલીસ વિભાગ અને એસટી વિભાગે પણ સંપૂર્ણ તૈયારી કરી છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સમયે બોડી ઓન કેમેરાથી રેકોર્ડિંગ થશે. ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 કાયદો આ પરીક્ષામાં લાગુ થશે. આ પરીક્ષામાં પોલીસ અને જિલ્લાનું સમગ્ર પ્રસાશન સક્રિય રહેશે. ATSએ જે 30 પરીક્ષાર્થીઓની અટકાયત કરી છે તેમને પરીક્ષા આપવાની ઈચ્છા હોય તો પરીક્ષા આપી શકે છે.
 
CCTVના માધ્યમથી મોનિટરિંગ કરાશે
પરીક્ષા માટેના મોટાભાગની હોલ ટિકિટ ડાઉનલોર્ડ થઈ ગઈ છે. સમયની બહાર ઉમેદવાર પહોંચશે તેને વર્ગખંડ કે પરીક્ષા કેન્દ્રમાં દાખલ થવા દેવા આવશે નહીં. ઉમેદવાર પેન, ઓળખકાર્ડ અને કોલ લેટર સિવાય કોઈ વસ્તુ વર્ગખંડમાં લઈ જઇ શકશે નહીં. ઉમેદવારોના બુટ અને ચપ્પલ વર્ગખંડ બહાર કાઢવી દેવામાં આવશે.રાજ્યમાં આવેલા 3 હજાર પરિક્ષા કેન્દ્ર પર કડક વ્યવસ્થા કરાઈ છે. પોલીસ બંદોબસ્ત એક દિવસ અગાઉ ગોઠવી દેવાયો છે. એક વર્ગમાં 30 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે, પાટલીઓ પર બેઠક નંબર લખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર CCTVના માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.