શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (18:12 IST)

કોંગ્રેસની બેઠકમાં જ અલ્પેશ ઠાકોર સહિત 11 ધારાસભ્યો ગેરહાજર

હાલ ગુજરાત કોંગ્રેસ લોકસભા 2019ની ચૂંટણીને લઈ કવાયત કરી રહી છે. પરંતુ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસમાં ક્યારેક યુવાઓ તો ક્યારેક વરિષ્ઠ નેતાઓ નારાજ થઈ રહ્યા છે. આજે પણ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં 11 ધારાસભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આ બેઠકમાં વિક્રમ માડમ, પ્રતાપ દુધાત, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર, જવાહર ચાવડા, અક્ષય પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર, સંતોકબેન અરેઠીયા, જસપાલ ઠાકોર સહિત કુલ 11 ધારાસભ્યો ગેરહાજર હતાં. અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી બેઠકમાં મોટાભાગના તમામ ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર રહ્યાં. નારાજ સિનિયર નેતાઓ અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, નરેશ રાવલ, સાગર રાયકા, તુષાર ચૌધરીને સ્ટેજ પર સ્થાન અપાયું હતું. પરંતુ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ગેરહાજરી સૂચક માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પક્ષમાં થઈ રહેલી અવગણનાને લઈ નારાજ છે. થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ચૂંટણી અને સંગઠનના મુદ્દે ચર્ચા કરી લોકસભા 2019ની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને વિચાર વિમર્શ કરાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ આ તમામ નેતાઓને સ્પષ્ટ રીતે કહ્યું છે કે તમારે બધાએ શિસ્તમાં રહેવું પડશે. હાઇકમાન્ડ તમારી કોઈ ખોટી માગણીઓને તાબે થશે નહીં. એટલું જ નહીં ગુજરાતના યુવા નેતાઓને સ્વીકારીને લોકસભાની ચૂંટણી જીતવા માટે સાથે રહીને કામ કરવાનું રહેશે.