રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 માર્ચ 2021 (22:40 IST)

અમદાવાદના આ વિસ્તારોમાં ખાણીપીણીના સ્ટોલ બંધ રાખવાનો આદેશ

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે એએમસી દ્રારા અમદાવાદ શહેરમાં 8 વોર્ડમાં ધંધાકીય એકમ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તંત્ર સફાળુ જાગ્યું છે અને શહેરમાં ફરી એકવાર કોરોના ટેસ્ટીંગના ડોમ શરૂ કરવામાં આવ્યા છે. 
 
ગુજરાત સહિત અમદાવાદમાં કોરોના કેસ વધતાં રાત્રી બજારના નામે ભીડ એકઠી થતી હોય એવા વિસ્તારોની ઓળખ કરી રાત્રિ બજારો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં જોધપુર (સાઉથ બોપલ સહિત), નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાત્રે 10 વાગ્યા બાદ કોઇ પણ ધંધાકીય એકમ ચાલુ રાખી શકાશે નહી.
આ અંગે પોલીસ સહિતનાં તમામ સંબંધિત વિભાગોને પણ જાણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોટ વિસ્તારમાં રહેલી ખાણીપીણીની તમામ બજારો પણ બંધ કરાવવા માટે આદેશ આપ્યો છે. જો એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લોકો ફરી શકશે. જોકે રેસ્ટોરન્ટ, મોલ, શોરૂમ, ટી સ્ટોલ, ફરસાણ અને નાસ્તાની દુકાનો, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલુન, સ્પા, જીમ ક્લબ વગેરે એકમો રાત્રીનાં 10 વાગ્યા બાદ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે જે વિસ્તારો બંધ કરવા માટેનો આદેશ અપાય છે તેમાં માત્ર અને માત્ર પશ્ચિમનાં જ તમામ વિસ્તારો છે. પૂર્વનો માત્ર એક મણિનગર વિસ્તારનો જ સમાવેશ કરાયો છે.