ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 એપ્રિલ 2020 (11:21 IST)

ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારનું બિલ જોઇ પગ નીચેથી જમીન ખસી જશે

દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસને લઇ સરકાર અને તંત્ર કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓને મફત સારવાર આપી રહી છે અને મોટી સંખ્યામાં લોકો સાજા પણ થઇ રહ્યા છે. પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. લોકો ડોક્ટરોને ભગવાન ગણતા હોય છે. ત્યારે કેટલીક જગ્યાએ શૈતાન જેવા અનુભવ પણ થાય છે. 
 
આવો જ એક કિસ્સો સુરતમાં જોવા મળી રહ્યો છે. જે કોરોના દર્દીઓના ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેમનું બિલ સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી  જશે. સુરતમાં 19મી એપ્રિલના રોજ કોરોનાથી સાજા થઈને ઘરે પાછા ફરેલા અબ્દુલભાઇને હોસ્પિટલ દ્વારા તેમની સારવારનું બિલ આપવામાં આવ્યું તો રકમ જોઇ અબ્દુલભાઇની આંખો ચાર થઇ ગઇ, બિલ રકમ હતી 5,88,298 રૂપિયા.
 
ત્યારબાદ યુસુફ નામના યુવાને ટ્વિટર પર PMO અને CMO ગુજરાતને એક ટ્વિટ કરી જણાવ્યું છે કે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી સાજા થનાર દર્દી પાસેથી 5.88 લાખ લેવામાં આવ્યા છે. સાથે બીલની કોપી પણ આ ટ્વિટમાં જોડવામાં આવી છે. બિલમાં દર્દીનું નામ અબ્દુલ વાહીદ કુરેશી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
બિલમા વિવિધ પ્રકારના ચાર્જનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં 62,500 રૂપિયા રૂમ ચાર્જ, 11,600 રૂપિયા પેશન્ટ કેર સર્વિસ, 3600 રૂપિયા રેડીયોલોજી સર્વિસ, 30,800 રૂપિયા બિસાઈડ પ્રોસિઝર, 1,06,300 રૂપિયા ડોકટર કન્સલ્ટેશન ચાર્જ, 16,540 રૂપિયા લેબરોટરી સર્વિસ, 26,882 સર્વિસ ચાર્જ,  5250 રૂપિયા એડમિનિસ્ટ્રેશન સર્વિસ ચાર્જ, 200 રૂપિયા ઇન પેશન્ટ રજીસ્ટ્રેશન ચાર્જ, 40,322 15 ટકા એક્સ્ટ્રા ચાર્જનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
આ અંગે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 50 વર્ષીય અબ્દુલ દર્દી 17 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની હાલત ક્રિટિકલ હતી. તેમને એન્ટી બાયોડિટેલ અને અન્ય દવાઓ આપવામાં આવી હતી. અમે તેમને અગાઉથી જ જાણ કરી દીધી હતી કે તેમના સારવારનું બિલ કેટલું આવી શકે છે. તેઓ સંમત પણ થઈ ગયા હતા. આ બિલ સામે દર્દીને કોઈ વાંધો નથી. યુસુફ હિંગોરા અસામાજિક તત્વ લાગે છે અને તેની ઉપર અમે લીગલ એક્શન લઇશું.
 
ઉલ્લેખનીય છે સરકારી હોસ્પિટલોમાં કોરોના સારવાર માટે એક રૂપિયો ચાર્જ વસૂલવામાં આવતો નથી ત્યારે આ જ સારવાર માટે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાખો ખર્ચી રહ્યા છે.