શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 એપ્રિલ 2021 (16:35 IST)

કોરોનાને પગલે અમદાવાદમાં રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર મુસાફરો ઘટ્યાં, અમદાવાદ બહાર જતાં મુસાફરોની સ્ટેશન પર ભીડ

કોરોનાના કેસ વધતાં અમદાવાદમાં  પરિસ્થિતિ હવે કાબુ બહાર થઈ ગઈ છે.  જેથી આ  સમયમાં બહારથી અમદાવાદમાં આવીને વસેલા તેમજ શહેરમાં આવીને મજુરી કામ કરનાર લોકો હવે શહેર છોડીને અન્ય જગ્યાએ જઈ રહ્યાં છે. અગાઉ લોકડાઉન સમયે ઘણા બહારના લોકો ફસાય ગયા હતા અને કેટલાય લોકો પોતાના વ્હીકલ અને કેટલાક લોકોને પગપાળા વતનની રાહ પકડવી પડી હતી. કાલુપુર રેલવે સ્ટેશન અને ST બસ સ્ટેશન બહાર જતાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે બહારથી શહેરમાં આવતા લોકો ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. ગત વર્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને લોકોમાં લોકડાઉનને લઈને ભય છે. તેથી તેઓ શહેર છોડીને અન્ય જગ્યાએ જઈ રહ્યાં છે. 
 
બીજી તરફ અમદાવાદ આવનાર લોકોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. અમદાવાદમાં આવતી ટ્રેનો અને બસ પણ મોટા ભાગે ખાલી જોવા મળી હતી. કાલુપુર રેલ્વે સ્ટેશન તો સૂમસામ જોવા મળ્યું હતું. રેલ્વે સ્ટેશન પર એકલ દોકલ વ્યક્તિઓની જ અવરજવર દેખાઈ રહી હતી. અગાઉ જે રેલ્વે સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી તે રેલ્વે સ્ટેશન એક દમ ખાલીખમ દેખાયું હતું. ટ્રેન આવી ત્યારે પણ મુસાફરો ખૂબ ઓછી સંખ્યામાં પરત આવતા દેખાયા હતા. કોરોનાની દહેશતને કારણે શ્રમજીવીઓ પોતાના વતન જવા મજબુર બન્યા છે.ST બસના કંડકટરે જણાવ્યું હતું કે બસ અમદાવાદ બહાર જવાની હોય તેમ મુસફરો ભરચક થઈ જાય છે અને જ્યારે બહારથી અમદાવાદ બસ આવતી હોય ત્યારે ગણીને 7-8 મુસાફરો જ હોય છે. 
 
અમદાવાદ બહારના તમામ જિલ્લાઓમાં જતી બસ હાઉસ ફૂલ જોવા મળી હતી. બહારથી આવતી બસમાં 7-8 મુસાફરો જ હતા. જે અમદાવાદમાં મૂળ રહેતા હોય કે પછી અમદાવાદમાં નોકરી કરતા હોય તે લોકો જ હતા. બહાર જનાર મુસાફરે જણાવ્યું હતું કે હવે અમદાવાદમાં એટલું મજૂરી કામ મળતું નથી જેથી અમારે બેકાર બેસી રહેવું પડે છે માટે અન્ય જગ્યાએ મજરી કામ માટે જઈએ છે. તો વતન જતાં મુસાફરોએ જણાવ્યું હતું કે લોકડાઉની શક્યતા લાગી છે જેથી ગયા વર્ષની જેમ મુશ્કેલીમાં ના આવીએ તે પહેલાં વતન જવા ઈચ્છીએ છે.  રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગર એમ 6 શહેરમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરાયો છે તેવા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના નામે સોશિયલ મીડિયામાં ફરતો કરાયેલો પત્ર ખોટો છે, તેવી સ્પષ્ટતા રાજ્યના ગૃહ વિભાગે કરી છે. આ સાથે રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાએ આવી અફવા ફેલાવનાર તત્ત્વને ઝડપવા સાઈબર ક્રાઇમને આદેશ કર્યો છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે. ગૃહવિભાગના પ્રવક્તાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.