1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (11:46 IST)

અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદ, વૃક્ષો, હોડિંર્ગ્સ ધરાશાયી

અમદાવાદ શહેરમાં બુધવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરે ત્રણ વાગ્યે ગાજવીજ, વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો. પૂર્વ વિસ્તારમાં બાપુનગર, નિકોલ, નરોડા, વિરાટનગર, મેમ્કો અને ચકૂડીયા વિસ્તારમાં વરસાદ અને વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી. ભારે વાવાઝોડામાં ૧૦૦થી પણ વધુ વૃક્ષો ઉથલી પડયા હતા. તેમજ મોટા હોડિગ્સો તૂટી પડયા હતા. અનેક મકાનોના છાપરાઓ પર ઉડયા હતા.

વિરાટનગરમાં ૧૧ મીમી અને મેમ્કોમાં ૧૩ મીમી એટલેકે અડધો ઇંચ જેટલો વસરસાદ પડયો હતો. ઓઢવમાં ૬.૫૦ મીમી, નરોડામાં ૩.૫૦ મીમી અને ચકૂડીયામાં ૧ મીમી વરસાદ નોંધાયો હતો. વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે વાવાઝોડુ ફૂંકાયું હતું. જેમાં સોનીની ચાલી ઓવરબ્રિજ પાસે એક બિલ્ડીંગ પરનું તોતિંગ જાહેરાતનું હોડિંગ્સ તૂટી પડયું હતું. વાવાઝોડાની તીવ્રતા કેટલી હતી તે એના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ મહાકાય હોડિંગ્સના બે આરસીસીના સ્લેબ ભરેલા પાયા પણ ઉખડી ગયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાની થવા પામી નહોતી.
સોનીની ચાલી પાસે આવેલા સીએમસી પાસે વૃક્ષો તૂટીને રોડ પર પડતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. વાવાઝોડાની સૌથી વધુ અસર બાપુનગર વિસ્તારમાં જોવા મળી હતી. જેમાં સ્થાનિક રહીશોના મતે ૧૦૦ થી પણ વધુ વૃક્ષો પડી ગયા છે. બાપુનગરના તમામ રસ્તાઓ પર બે-ચાર વૃક્ષ ઉથલીને પડયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અંગે ફાયરબ્રિગેડ ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ બાપુનગર વિસ્તારમાં મહત્તમ ફાયરબ્રિગેડની ગાડીઓ અને સ્ટાફને મોકલી અપાયા છે. જેમાં મકાન પર, વાહનો પર ઝાડ પડવાના બનાવ બનેલા છે. તેમજ કેટલાક હોડિંગ્સો તૂટી પડયા હોવાથી તેને સલામત રીતે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ અંગેના કુલ ૩૦ કોલ આવ્યા છે. જેમાંથી રોડ પરના ઝાડ ખસેડવાની કામગીરીને પ્રાથમિકતા અપાઇ રહી છે. મ્યુનિ.અધિકારીઓ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વાવાઝોડાને લઇને ઉત્તર ઝોનમાં ૩૬ અને પૂર્વ ઝોનમાં ૯ ઝાડ ઉથલી પડયા હોવાના અહેવાલ છે.