શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 જૂન 2023 (21:51 IST)

રાજ્ય સરકારનો નિર્ણયઃ વાવાઝોડાના કારણે સ્થળાંતરિત કરાયેલા લોકોને પાંચ દિવસની કેશડોલ ચૂકવાશે

પુખ્તવયના વ્યક્તિને દૈનિક રૂપિયા 100 લેખે અને બાળકોને દૈનિક લેખે રૂપિયા 60 ચુકવવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશડોલ્સની ચુકવણી કરવામાં આવશે.
 
ગાંધીનગરઃ ગઇકાલે મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું ટકરાયું હતું. ભારે પવન અને વરસાદ સાથે આ વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ દરિયાકિનારે ત્રાટક્યું હતું અને ત્યારબાદ તેની આસપાસના વિસ્તારમાં આ વાવાઝોડાંની અસરો વર્તાઈ હતી. પરંતુ, સાવચેતીભર્યા પગલાં અને આગોતરાં આયોજનના કારણે ન્યૂનતમ નુકસાન સાથે ગુજરાતે આ વાવાઝોડાંનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. હવે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વાવાઝોડાના કારણે સ્થળાંતરિત કરાયેલા લોકોને પાંચ દિવસની કેશડોલ ચૂકવાશે. 
 
પાંચ દિવસ લેખે સહાયતા આપવામાં આવશે
રાજ્ય સરકાર વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ આઠ હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવશે. જેમાં સરકાર પુખ્ત વયના લોકોને 500 રૂપિયા અને બાળકોને 300 રૂપિયા સહાય ચુકવશે. મહેસુલ વિભાગે ઠરાવ કર્યો છે કે, બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયતાના ધોરણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર પાંચ દિવસ લેખે સહાયતા આપવામાં આવશે. પુખ્તવયના વ્યક્તિને દૈનિક રૂપિયા 100 લેખે અને બાળકોને દૈનિક લેખે રૂપિયા 60 ચુકવવામાં આવશે. બિપરજોય વાવાઝોડા અસર ગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ વ્યક્તિઓને કેશડોલ્સ ચૂકવામાં આવશે. મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશડોલ્સની ચુકવણી કરવામાં આવશે.
 
કલેક્ટરોને નુકસાનીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ
ગુજરાતના દરિયાકાંઠે ટકરાયેલા વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં થોડુ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં થઈ છે. કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર અને મોરબી સહિતના આઠ જિલ્લાઓમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. મુખ્યમંત્રીએ આજે SEOC ખાતે વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં પ્રાથમિક નુકસાનીનો તાગ મેળવ્યો હતો. પરંતુ ખરેખર કેટલું નુકસાન થયું છે તેનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં રજૂ કરી દેવા આઠ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જે તે વિભાગના સેક્રેટરી ઉપસ્થિત રહી વિભાગ જનજીવન સામાન્ય બની રહે એ માટે કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે એ સંદર્ભે માહિતગાર કર્યા હતા અને ભવિષ્યના પ્લાનિંગ સંદર્ભે જાણ કરી હતી.