મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 26 જુલાઈ 2021 (14:29 IST)

યુનેસ્કો ધોળાવીરાને ‘વૈશ્વિક ધરોહર’ જાહેર કરી શકે છે, બે દિવસ સુધી વિચારણા હાથ ધરાઈ

ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં દર વર્ષની જેમ વિશ્વ વિરાસત સ્થળોની યાદી જાહેર કરાઈ છે, જેમાં ભારતને ફરી સફળતા મળી છે. તેલંગાણાના રામપ્પા મંદિરે દેશની 39મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. એને પગલે હવે ધોળાવીરાની પણ ઘોષણા સોમવારે અથવા મંગળવારે થઈ શકે છે.યુનેસ્કોએ શનિવારથી વિવિધ દેશોના વિશ્વ વિરાસત સ્થળનાં નામો જાહેર કરવાની શરૂઆત કરી હતી, જેમાં રામપ્પા મંદિરની ઘોષણા રવિવારે કરી હતી. એની સાથે પ્રધાનમંત્રીએ પણ દેશને આ અંગે જાણકારી આપી ખુશી વ્યક્ત કરી હતી. યુનેસ્કોએ જાહેર કર્યું છે કે 28મી જુલાઇ સુધી વિવિધ સાઇટ અંગે ચર્ચા ચાલુ રહશે, એટલે કે ધોળાવીરાની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે.

નોંધનીય છે કે રામપ્પા મંદિરનું નામ સરકારે વર્ષ 2020 માટે મોકલ્યું હતું. 2021માં સરકારે ધોળાવીરાનું નામ મોકલ્યું હતું. ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરવા યુનેસ્કો દ્વારા વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના વડા ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે સિંધુ સભ્યતાના સાૈથી મોટાં નગરોમાં સામેલ થતા ધોળાવીરા અનેક રીતે ખાસ છે. લગભગ ત્રણ દાયકા પહેલાં થયેલા ઉત્ખનનકાર્ય બાદ ધોળાવીરાનાં અનેક રહસ્યો બહાર આવવા લાગ્યાં હતાં. ડો. આર.એન. બિસ્ટ દ્વારા 1991 અને 1992માં ધોળાવીરામાં સંશોધન કાર્ય કરાયું હતું. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં યુનેસ્કોને ધોળાવીરાનું ડોઝિયર મોકલવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ચારેક માસ પહેલાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી ધોળાવીરાની મુલાકાત કરી હતી, જેમાં ધોળાવીરાની આસપાસ ભૂસ્તરીય મહત્ત્વનાં સ્થળો કેવી રીતે વિકસાવી શકાય અને એનું મહત્ત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવું છે એ વિશે કહેવામાં આવ્યું હતું. ધોળાવીરા હવે જ્યારે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થવા જઇ રહ્યું છે ત્યારે એને સૌથી નજીકથી જાણનારા અને વિશ્વને આ પુરાતત્ત્વીય શહેરથી રૂબરૂ કરાવનારા પદ્મશ્રી પુરાતત્ત્વવિદ આર.એન. બિસ્ટ આ જાહેરાતથી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને નેવુંના દાયકામાં તેણે પોતે કેવી રીતે ધોળાવીરાના એક પછી એક રહસ્યને ઉજાગર કર્યાં એની વિસ્તૃત માહિતી આપી હતી. ધોળાવીરા અન્ય હડપ્પીય શહેરથી અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. વિશ્વ વિરાસત સ્થળ બનતાં કચ્છ તેમજ ખડિર વૈશ્વિક નકશા પર આવી જશે અને પ્રવાસનની નવી જ તકો અહીં ઊભી થશે.
 
આવો જાણીએ ધોળાવીરાનો ઈતિહાસ 
 
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે.
 
1967-68 ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી. મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે. 47 હેક્ટર (120 એકર) ચતુર્થાંશ શહેર બે મોસમી સ્ટ્રીમ્સ, ઉત્તરમાં માનસાર અને દક્ષિણમાં મનહાર વચ્ચે આવેલું છે. આ સાઇટ સી 2650 બી.સી. સુધી ઉપયોગ કરવામા આવ્યો હતો, જે આશરે 2100  બી.સી. પછી ધીમે ધીમે ઉ૫યોગ ઘટતા, ટૂંકમાં તે સ્થળ છોડી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ.15050 બી.સી. સુધી ફરીથી ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. 
 
ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે (1) રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ કે જે ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં, (2) અન્ય અધિકારીઓનાં આવાસ કે જેના ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી અને બેથી પાંચ ઓરડાવાળા મકાન હતાં., (3) સામાન્ય નગરજનોનાં આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી.

(સાભાર - ગુજરાત ગર્વમેંટ)