મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 જુલાઈ 2021 (08:17 IST)

અંબાજી દર્શન કરીને આવતી વખતે અચાનક કાર સળગતાં મહિલા પતિની નજર સામે બળીને ભડથું થઈ ગઈ

માણસા તાલુકાના રંગપુર ગામનું દંપતી રવિવારે કારમાં અંબાજી દર્શનાર્થે આવ્યું હતું. માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે હડાદ નજીક અચાનક કારમાં આગ લાગતાં કારમાં પતિની નજર સામે પત્ની બળીને ભડથું થઇ જતાં મોતને ભેટ્યા હતા. જ્યારે પતિ કારમાંથી બહાર નીકળી ગયા પરંતુ હાથ, મોં અને પગે ગંભીર રીતે દાઝ્યા હતા.

માણસા તાલુકાના રંગપુર ગામના ચિંરાગસિંહ ચાવડા અને તેમના પત્ની પૂજાબા રવિવારે વેગનઆર કાર નંબર જીજે-27-સી-2470 લઇને અંબાજી ખાતે માઁ અંબાના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે હડાદથી બે કિલોમીટર દૂર કારમાં અચાનક આગ લાગી હતી. આગ અચાનક વધી જતાં ચિંરાગસિંહ પોતે કારમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે તેમના પત્ની પૂજાબા ચાવડા કારમાં ફસાઇ જતાં બળીને ભડથું થઇ ગયા હતા. ચિરાગસિંહને હાથ, પગ અને મોંઢાના ભાગે ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અંબાજી ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાની જાણ હડાદ પોલીસને થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.