મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (10:12 IST)

Monsoon 2022: ગુજરાતમાં ચોમાસું કેટલું વહેલું આવશે?

હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે કે દેશમાં તેના સમય કરતાં ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે.
 
ત્યારે ગુજરાતમાં ચોમાસું કેટલું વહેલું આવી શકે છે? દેશમાં ક્યારે ચોમાસું શરૂ થવાની શક્યતા છે અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે?
 
ભારતમાં ચોમાસાની શરૂઆત 1 જૂનની આસપાસ થતી હોય છે. તેમાં એકાદ-બે દિવસ વહેલું કે મોડું ચોમાસું શરૂ થતું હોય છે. ભારતમાં ચોમાસાની સૌપ્રથમ શરૂઆત આંદામાન-નિકોબાર ટાપુઓ પર થાય છે.
 
આંદામાન-નિકોબાર ટાપુઓ પર ચોમાસું 22 મેના રોજ પહોંચતું હોય છે અને ત્યાંથી આગળ વધીને તે કેરળ સુધી પહોંચે છે. દેશમાં કેરળમાં વરસાદ શરૂ થાય એટલે ચોમાસાની શરૂઆત ગણાય છે.
 
હવે હવામાન વિભાગે જાણકારી આપી છે કે દેશમાં ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની શક્યતા છે. આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસું 15 મેની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે. એટલે કે ચોમાસું તેના સમય કરતાં એક અઠવાડિયું વહેલું પહોંચે તેવી શક્યતા છે.
 
જેથી હવામાન નિષ્ણાતો એવી ધારણા કરી રહ્યા છે કે કેરળમાં પણ ચોમાસું વહેલું બેસી જશે અને આ વર્ષે વહેલો વરસાદ શરૂ થઈ જશે.
 
હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે 15 મેના રોજ આંદામાન-નિકોબાર બાદ ચોમાસું આગળ વધી ભારતના મુખ્ય ભૂ-ભાગ તરફ આવશે.
 
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 15 જૂનના રોજ થતી હોય છે. એટલે કે 15 જૂનની આસપાસ વરસાદ થતો હોય છે.
 
જો કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆત થાય અને સ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે.
 
નોંધનીય છે કે ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસાની 9-10 જૂનના રોજ શરૂઆત થઈ ગઈ હતી.
 
જોકે, આ વર્ષે તેનાથી પણ વહેલું રાજ્યમાં ચોમાસું બેસે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે. જો વહેલું ચોમાસું શરૂ થાય તો ખેડૂતોએ એ પ્રમાણે વહેલી વાવણી કરવાની પણ શરૂઆત કરવાની રહેશે.
 
આ વર્ષે ચોમાસું કેવું રહેશે?
બંગાળની ખાડીમાં હાલમાં જે સર્જાયેલું અસાની વાવાઝોડું હવે દરિયામાં નબળું પડી ગયું છે અને તે લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. આ લો પ્રેશર હજી આંધ્ર પ્રદેશના દરિયાકિનારાની આસપાસ છે.
 
'સ્કાયમેટ'ના એક અહેવાલ અનુસાર આ વેધર સિસ્ટમને કારણે દેશમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. બીજી તરફ હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં ચોમાસા માટે તેનું એક અનુમાન જાહેર કર્યું હતું.
 
હવામાન વિભાગે લાંબા ગાળાના અનુમાનમાં કહ્યું હતું કે દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. એટલે કે દેશમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
 
ખાનગી હવામાન એજન્સી 'સ્કાયમેટ' પણ પોતાના અનુમાનમાં જણાવે છે કે દેશમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
 
અહીં મહત્ત્વપૂર્ણ છે કે હાલ રાજ્યમાં ભયંકર ગરમી પડી રહી છે અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યો છે.