શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (12:05 IST)

ખેડૂતો ઠેર ઠેર રસ્તા પર ઉતરી આવ્યા, રેલીઓ, વિરોધ પ્રદર્શનો અને દેખાવો કર્યા, ખેડૂતોની મહિલાઓએ પણ સરકારના છાજીયા લીધા

ગુજરાતમાં ચાલુ વર્ષે નબળા ચોમાસાની સ્થિતિને પગલે રાજ્યના ઘણા ભાગોમાં દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું છે અનેખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે ત્યારે ખેડૂતોએ તેમના દેવા માફી, સિંચાઈના પાણી અને વીજળી સહિતના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સામે લડી લેવા હવે ખુલ્લો મોરચો માંડ્યો છે. ઓછા વરસાદને લીધે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બની છે અને માત્ર ખેડૂતો માટે જ નહિ પરંતુ તેઓના પશુધન માટે પણ જીવન-મરણની સ્થિતિ પેદા થઈ છે ત્યારે ખેડૂતોએ પોતાની સમસ્યાઓને વાચા આપવા રાજ્યના કાલાવડ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, માલપુર, સાણંદ, અમરેલી, સાવરકુંડલા, ગોધરા, ઉના, કુતિયાણા વગેરે વિસ્તારોમાં સરકાર વિરુદ્ધ દેખાવો, પ્રદર્શનો અને રેલીઓ કાઢીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
 
ખેડૂતોના આ વિરોધમાં ખેડૂત મહિલાઓએ પણ પાછી પાની કરી ન હતી. મહિલાઓએ સરકારના નામે છાજીયા લઈને રોષ પ્રગટ કર્યો હતો. કૃષિમંત્રીના વિસ્તારમાં જ વિરોધ પ્રદર્શનો અને દેખાવો
 
જામનગર જીલ્લાના કાલાવડ આસપાસના ગામોના ખેડૂતો અને માલધારીઓએ કોરાધાકોડ ખરેડી ડેમના ખુલ્લા પટમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. મહિલાઓએ સરકાર સામે છાજીયા લઈને તેમજ રાસડા રમીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તો વળી ખેડૂતોએ તેમના લસણ-ડુંગળી રસ્તા પર વેરીને તેમજ દૂધ રસ્તા પર ઢોળી નાખીને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને સરકાર સામે વિરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ એ રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુનો વિસ્તાર છે અને તેમના જ વિસ્તારના ખેડૂતો અને માલધારીઓ સરકારની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. મહિલાઓએ પાણીના માટલા ફોડીને
પાણીની માગણી કરી સરકારનો વિરોધ કર્યો હતો.
 
બોટાદ, અમરેલી, સાવરકુંડલા, ઉના, ગોધરા, કુતિયાણા, કડાણા, વાવ, પ્રાંતિજમાં ઠેર ઠેર રેલીઓ-પ્રદર્શનો
અમદાવાદ જીલ્લાના સાણંદના ખેડૂતોએ પણ તેમની વિવિધ ૨૧ મુદ્દાઓની માંગ સાથે પોસ્ટરો સાથે મૌન રેલી યોજી હતી અને મામલતદાર કચેરીએ જઈ સાણંદ તાલુકાને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ કરી હતી. દેવભૂમિ દ્વારકા જીલ્લાની ખેડૂત હિતરક્ષક સમિતિએ રેલી અને દેખાવો કરીને સરકારનો વિરોધ કર્યો હતો તો અમરેલી, સાવરકુંડલા, ઉના, ડભોઈ વગેરે વિસ્તારોમાં પણ ખેડૂતોએ ટેકાના ભાવો, સિંચાઈનું પાણી જેવા મુદ્દાઓને લઈને રેલી યોજીને મામલતદારોને આવેદનપત્ર આપીને પોતાની વેદના વ્યક્ત કરી હતી. આ સિવાય ગોધરા, કુતિયાણા, કડાણામાં પણ ખેડૂતોએ તેમના વિવિધ પ્રશ્નોને લઈને રેલીઓનું આયોજન કર્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજમાં ખેડૂતોએ પોસ્ટરો લઈને વિરોધ કર્યો હતો તો બનાસકાંઠાના છેવાડાના
વાવ તાલુકાના ખેડૂતોએ પણ તેમની માગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. માલપુરમાં ગૌચર મુદ્દે ખેડૂતોએ મૌન રેલીનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં નનામી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 
 
વડોદરાના સાવલીના ખેડૂતોએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે સરકાર ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરતી હોય તો ખેડૂતોના દેવા શા માટે માફ કરતી નથી. ઉદ્યોગપતિઓ તો સરકારનું કરી નાખીને વિદેશમાં ભાગી જાય છે જ્યારે જગતનો તાત ખેડૂત એ સ્વામાની છે તેથી તેના પર જો દેવું વધી જાય અને પાક નિષ્ફળ જવાને લીધે તે દેવૂં ભરપાઈ ન કરી શકે તો તેના માટે આપઘાત સિવાય બીજો કોઈ માર્ગ નથી બચતો.
 
ખેડૂતોની મુખ્ય માગણીઓ કઈ છે?
 
 ખેડૂતો પરનું દેવુ માફ કરો
 ઉપજોના ટેકાના ભાવો આપો
 સિંચાઈ માટે પૂરતા સમય માટે વીજળી આપો
 કેનાલોમાં સિંચાઈનું પાણી આપો
 પાક વીમાની રકમ વહેલી તકે જમા કરો
 અબોલ પશુધનને ઘાસાચારો અને પીવાનું પાણી આપો
 
કૃષિમંત્રી પોતાના જ વિસ્તારમાં કામગીરી કરવામાં નિષ્ફળ
 
કૃષિમંત્રી આર. સી. ફળદુના મતવિસ્તાર કાલાવડની આસપાસના ગામોના ખેડૂતોએ જ સરકારની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કૃષિમંત્રી રાજ્યના અન્ય ભાગોની સમસ્યા પર તો ધ્યાન નથી આપી શક્યા પરંતુ પોતાના જ વિસ્તરાના ખેડૂતો પણ કૃષિમંત્રી ખેડૂતો માટે કામગીરી કરવામાં નિષ્ફળ ગયા છે એમ જણાવ્યું હતુ અને સરકાર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા.