શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 16 ઑક્ટોબર 2017 (13:53 IST)

''આજે ધોલાઇ કરી લો ભાઇ, એકેયને છોડવાના નથી, પોલીસનું માનવાનું નથી.'' - ગુજરાતના વનમંત્રી ગણપત વસાવા

ગુજરાત રાજ્યના વનમંત્રી ગણપત વસાવાનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યો છે. ભાજપની ગૌરવ યાત્રામાં ભાગ લેવા આવેલા ગણપત વસાવાએ જાણે ખૂની ખેલ ખેલવાનો હોય એ રીતે ભાષણ કર્યું હતું. ગુજરાત રાજ્યના વનમંત્રી ગણપત વસાવાના મતવિસ્તાર મોસાલી ખાતે શુક્રવારે ગૌરવયાત્રાની જાહેરસભાના મંચ પર ઇંડા ફેંકાતા વનમંત્રીએ કાર્યકરોની ઉશ્કેરણી કરવા સાથે કરેલું ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે.

સ્ટેજ પરથી વનમંત્રીએ કહ્યું હતું કે, ''આજે ધોલાઇ કરી લો ભાઇ, એકેયને છોડવાના નથી, પોલીસનું માનવાનું નથી.'' માંગરોળ વિધાનસભા મતક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્ય તરીકે કેબીનેટ મંત્રી ગણપત વસાવા પ્રતિનિધિત્વ કરે છે. ગતરોજ આ ક્ષેત્રમાં મોસાલી ચાર રસ્તા ખાતે વિકાસ ગૌરવયાત્રાની જાહેરસભા હતી. સભામાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આવે તે અગાઉ ગણપત વસાવા સભા સ્થળે પહોંચી ગયા હતા. સભામંચ પરથી ગણપત વસાવાએ સંબોધન શરૃ કરતાં જ ભાજપના ખેસ નાંખીને પહોંચેલા બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના કાર્યકરોએ મંચ પર ઇંડા ફેંકવાનું શરૃ કરતા ધમાચકડી મચી હતી. ભાજપ કાર્યકરોએ બીટીએસના ૩ થી ૪ કાર્યકરોને છુટ્ટા હાથે અને પ્લાસ્ટીકની ખુરશી વડે માર મારવું શરૃ કર્યું હતું. તે સમયે મંચ પરથી ગણપત વસાવાએ ઉશ્કેરણી જનક સંબોધન કરતા કહ્યું હતું કે, ''આજે ધોલાઇ કરી લો ભાઇ, બહુ દિવસ પછી તક મળેલી છે, એકેયને છોડવાના નથી, પોલીસનું માનવાનું નથી. યાદગાર ધોલાઇ કરી લો ભાઇ, જે હોય તે સબક શીખડાવો, પુરૃં કરો, આજે કોઇને છોડવાના નથી.'' જેને પગલે કાર્યકરો પણ મારો મારોની બૂમો સાથે ખુરશી લઇને ઇંડા ફેંકનારા પર તૂટી પડયા હતા. જેમાં ત્રણ યુવાનોને ઇજા થઇ હતી. સભામંચ પરથી કેબીનેટ મંત્રીએ કરેલી ઉશ્કેરણી સાથેનું ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય મામલો ગરમાયો છે ઉપરાંત ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડો. તુષાર ચૌધરીએ પોતાના ફેસબુક પેઇજ પર વીડીયો અપલોડ કરતા લોકોએ વિવિધ કોમેન્ટ સાથે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. સાતસોથી વધુ લોકોએ આ વિડીયો સેર કરતા સોશિયલ મીડિયા પર વિરોધ અને સમર્થન સાથે અભિપ્રાયનો મારો શરૂ થયો છે.
 
 



વીડિયો સાભાર - યુટ્યુબ