મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (12:17 IST)

ગતિશીલ ગુજરાતની વિધાનસભામાં 'ગરીબ મેળો' યોજાયો, ડીગ્રીવાળા 'પકોડા' તળે અને અભણોને 1.16 લાખનો પગાર

'ખેડૂતો, ફેરીયાઓ અને રોજીંદા કામદારો આંદોલન કરાવતા રહ્યા અને ચૂંટાયેલા રાજનીતિના નાયકો પગાર વધારો કરાવી ગયા', 'ગતિશીલ ગુજરાતની વિધાનસભામાં ગરીબ મેળો યોજાયો', 'ડીગ્રીવાળા 'પકોડા' તળે અને ધો. પાંચ પાસને મહિને રૂ. ૧.૧૬ લાખનો પગાર', ગઇકાલે વિધાનસભા ગૃહમાં સરકારે અગાઉની કોઈ જાહેરાત વગર જ એકાએક જ ધારાસભ્યોનો પગાર ૭૫૦૦૦થી વધારીને ૧.૧૬ લાખ કરી દેતા લોકોમાં વ્યાપક આક્રોશ ફાટી નીકળ્યો છે. બુધવારથી જ ધારાસભ્યોના પગાર વધારાની સામે નાગરીકોએ સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓ કરવાનું શરૂ કર્યું હતું જે ગુરૂવારે પણ યથાવત રહ્યું હતું. આવા મેસેજો બનાવીને તેમજ આવેલા મેસેજો નાગરીકો એકબીજાને ફોરવર્ડ કરી રહ્યા છે. લોકો ધારાસભ્યો મંત્રીઓ અને રાજકીય પક્ષોની હાંસી ઉડાવતા તેમજ જબરજસ્ત કટાક્ષો કરતા મેસેજો મોકલી રહ્યા છે.
પગાર બિલ પાસ થતા જ ધારાસભ્યો માટે 'અચ્છે દિન' આવ્યા. નાના કર્મચારીઓ પગાર વધારા માટે આંદોલનો કરે. કોર્ટનાં ધક્કા ખાય અને ચૂંટાયેલા કહેવાતા 'ગરીબ કરોડપતિ'ના પગારમાં રાતોરાત અધધધ... વધારો થઇ જાય... આને કહેવાય 'સહી નિયત સહિ વિકાસ'. વિધાનસભામાં ઉંઘવા માટે હવે ૧.૧૬ લાખ મળશે. 'ઉંઘતો વિકાસ'. વિધાનસભામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો. જેમાં ૧૮૨ ગરીબ પરીવારોને સહાય વિતરણ કરાઈ. અનામત પર વિચારણા, પેટ્રોલ-ડીઝલ ભાવ ઘટાડા પર વિચારણા, ખેડૂતો પર વિચારણા, રામમંદિર અને બેકારી વગેરે જેવા લોકોના પ્રશ્નો પર સરકારની વિચારણા પણ ધારાસભ્યોનાં પગાર વધારા પર કોઈ જ વિચારણા નહીં રાતોરાત અમલ. એટલું જ નહીં જૂની તારીખથી તેની અસર અપાત ધારાસભ્યોને દિવાળી પહેલા 'એરીયર્સ'ની તગડી રકમ મળશે.
અન્ય કેટલાક મેસેજોમાં લખ્યું છે કે, બે દિવસ પહેલા નીતિન પટેલ સાચું જ બોલતા હતા કે બે દિવસમાં ગરીબો માટે મોટી જાહેરાત થશે. આજે સાબિત થઇ ગયું છે કે કોંગ્રેસ-ભાજપ બન્ને માસિયાઈ ભાઈઓ જ છે. મારા ખાતામાં ૧૫ લાખ ન આવી જાય ત્યાં સુધી મત તો ભાજપને-મોદીને જ આપીશું. કેમ કે નાણા બાકી હોવાથી સંબંધો થોડા ખરાબ કરાય ? ટૂંકમાં નાગરીકો હવે જાગૃત છે. બધુ સમજી રહ્યા છે. લોકો એવું કહે છે કે, જો કરોડપતિ-અબજોપતિ ધારાસભ્યો મંત્રીઓને મોંઘવારી નડતી હોવાથી વધુ પગાર જોઇતો હોય તો અમને વાંધો નથી. પરંતુ ગરીબ અને મધ્યમવર્ગના 'રોડપતિ'ઓનો શું વાંક છે ? મોંઘવારી ઘટે ને લોકોને આવક વધે તેવી કાર્યવાહી સરકાર કેમ કરતી નથી ? આ તમામ બાબતોનો જવાબ આગામી ચૂંટણીમાં અપાશે.