શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (11:37 IST)

નલિયા કાંડ મુદ્દે દોઢ વર્ષથી વધારે સમયથી બનેલા કમિશનમાં રૂ. ૪૦.૭૨ લાખ ખર્ચાયા

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે પ્રશ્નોતરી સમયમાં કચ્છના બહુચર્ચિત નલિયા કાંડનો મુદ્દો ઉપસ્થિત થયો હતો. જેમાં દોઢ વર્ષ કરતા વધુ સમયથી જસ્ટિસ દવે કમિશનની રચના કરવામાં આવી છે. આ કમિશન પાછળ અત્યાર સુધીમાં ૪૦.૭૨ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યું હોવાનું ગૃહ મંત્રીએ લેખિતમાં જણાવ્યું જણાવ્યું હતું.
ગૃહમાં પ્રશ્નોતરી સમયમાં કચ્છના બહુચર્ચિત એવા નલિયા સેક્સ કાંડનો મુદ્દો ઉદભવ્યો હતો. ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. આશા પટેલે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં નલિયા સેક્સ કાંડ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં ગૃહ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નલિયા કાંડ સંદર્ભે ગત તા. 16 માર્ચ 2017ના રોજ જસ્ટિસ દવે કમિશનની રચના કરવામાં આવી હતી.
અત્યાર સુધી જસ્ટિસ દવે કમિશન પાછળ 40,72,980 રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જણાવાયું છે. જો કે હજુ સુધી કમિશન દ્વારા સરકારને કોઇ રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જસ્ટિસ દવે કમિશનની મુદ્દત આગામી 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. આ કમિશનની દોઢ વર્ષની ઉપર થઇ ગયું છે, પરંતુ હજુ સુધી કંઇ પણ આ બાબતે જાહેર કરવામાં આવી રહ્યું નથી. નલિયા પોલીસને આપેલી ફરિયાદમાં બળાત્કાર પીડિતાએ બીજેપીના સ્થાનિક હોદ્દેદાર સહિત 10 વ્યક્તિઓ પર એક વર્ષ સુધી ગેંગરેપ કર્યાનો આરોપ લગાવ્યો હતો.
મુંબઇના નાલાસોપારા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ 25 જાન્યુઆરીના રોજ નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, છેલ્લા એક વર્ષથી 10 વ્યક્તિઓએ અલગ અલગ સ્થળો પર મારા પર ગેંગરેપ કરવામાં આવ્યો છે. આ ઘટના ઓગસ્ટ 2015ની છે. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, આરોપીઓએ તેનો સેક્સ વીડિયો બનાવી તેને બ્લેકમેઇલિંગ કરી રહ્યા હતા. પીડિતાએ એવો પણ દાવો કર્યો હતો કે, આરોપીઓ દ્વારા કચ્છમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. આ રેકેટમાં નેતાઓ સહિત અનેક મોટા માથાઓ સંડોવાયેલા હોઇ શકે છે. પીડિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે, આરોપીઓએ અનેક યુવતીઓને શિકાર બનાવી હોઇ શકે છે.