ગીર અભ્યારણ્યની ગત વર્ષે સૌથી વધુ કમાણી થઈ હોવાનું નોંધાયું
ગુજરાતમાં જૂનાગઢના ગીર અભ્યારણ્યમાં જૂન ૨૦૧૬થી લઈને જૂન ૨૦૧૭ સુધી અત્યાર સુધીની સૌથી વધારે કમાણી નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગીર અભયારણ્ય અને દેવળિયા ઝોનમાં આ સમયગાળામાં લગભગ ૫.૨૨ લાખ ટૂરિસ્ટ્સે મુલાકાત લીધી હતી અને ૧૦.૨૫ કરોડની આવક થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટૂરિસ્ટ્સની સંખ્યા દિવસેને દિવસે વધે છે.
દિવાળી સમયે પર્યટકોની સંખ્યા હજી વધે તેવી શકયતા જણાઈ રહી છે. ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ એ.પી.સિંહ જણાવે છે કે, ગયા વર્ષે ૫.૨૨ લાખ ટૂરિસ્ટ્સે ગીર જંગલની મુલાકાત લીધી હતી. આ પહેલા ૨૦૧૫માં આ સંખ્યા ૫.૩૩ લાખ હતી. ચાર મહિના લોકો માટે ગીર અભયારણ્ય ખુલ્લું મુકાયું હોવાને કારણે દિવાળીમાં પણ મોટી સંખ્યામાં ટૂરિસ્ટ્સ મુલાકાત લેશે તેમ લાગી રહ્યું છે. ગુજરાત ટૂરિઝમ તરફથી અમિતાભ બચ્ચનને સાથે લઈને જે કેમ્પેઈન કરવામાં આવ્યું હતું, ત્યારપછીથી ગીરની મુલાકાત લેનારા પર્યટકોની સંખ્યા ખુબ વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેસ્ટીવ સીઝન દરમિયાન પરમિટની સંખ્યા ૯૦થી વધીને ૧૫૦ કરવામાં આવી છે. જે રેવન્યુ જનરેટ થાય છે તેનો ઉપયોગ સિંહોના સંરક્ષણ માટે કરાવમાં આવે છે.