ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે જવાબદાર નેતાઓની યાદી હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરાઈ

pass meeting
Last Modified સોમવાર, 29 જાન્યુઆરી 2018 (13:01 IST)

વિધાનસભાની ચૂંટણીમાં સતત છઠ્ઠીવાર કોંગ્રેસને ગુજરાતમાં સત્તાથી દુર રહેવુ પડયું છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ટીમે જ એવો રિપોર્ટ આપ્યો છેકે, ગુજરાતના કોંગ્રેસી નેતાઓએ ઉમેદવારો માટે ટિકિટની ભલામણો કરી પણ જીતાડવાની કોઇ જવાબદારી લીધી નહી જેથી ધાર્યુ પરિણામ આવ્યુ શક્યુ નહી.દિલ્હી બેઠેલાં નેતાઓ સાથે ઘરોબો કેળવી ટિકિટ,સંગઠનમાં હોદ્દા અપાવવામાં માહિર ગુજરાત કોંગ્રેસના નેતાઓ હવે હાઇકમાન્ડની નજરમાં આવી ચૂક્યા છે.

સૂત્રો કહેછેકે,સ્ક્રિનીંગ કમિટીના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે રાહુલ ગાંધીને એક રિપોર્ટ સોંપ્યો છે.રાહુલ ગાંધીએ ખુદ નીમેલી ટીમે પણ રિપોર્ટ આપ્યો છે. આ બંન્ને રિપોર્ટનો એક સૂર છેકે, ગુજરાત કોંગ્રેસના જે નેતાઓએ ઉમેદવારોને ટિકિટ આપવા ભલામણ કરી હતી. આ ઉમેદવારો પૈકી ઘણાં ઉમેદવારો ભૂંડી રીતે હાર્યા છે. નોંધ લેવા જેવી વાત એછેકે, જીતી શકે તેવા ઉમેદવારો હોવા છતાંય તેમની અવગણના કરવામાં આવી હતી. ગુજરાતના નેતાઓએ નિષ્પક્ષરીતે ભલામણ કરી હોત તો કદાચ પરિણામ જુદુ હોત. રિપોર્ટમાં એવુ પણ કહેવાયુ છેકે, ભલામણ કરનારાં નેતાને જીતાડવાને બદલે ટિકિટ અપાવી જાણે હાથ જ ઉંચા કરી લીધા હતાં. આમ, ગુજરાત કોંગ્રેસના કેટલાંક નેતાઓને હવે હાઇકમાન્ડ કોરાણે કરવા મન બનાવી લીધુ છે.સંગઠનમાં ય ભાઇ-ભત્રીજાવાદ ચલાવવામાં આવી રહ્યો છે તેવી પણ ફરિયાદો થઇ છે. ૨૦૧૩માં ય આ વાત નક્કી કરાઇ હતી કે,ટિકિટની ભલામણ કરનારાં નેતાની જવાબદારી સોંપવી જોઇએ પણ તેનો આજદીન સુધી અમલ થઇ શક્યો નથી. હવે હાઇકમાન્ડ આ મુદ્દે ગંભીરતા વિચારી રહ્યુ છે. રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસી નેતાઓનો ગુજરાતમાં કેટલો દબદબો ધરાવે છે તે જાણી ચૂક્યા છે. એટલે આવનારા દિવસોમાં માત્ર પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા સામે તો શિસ્તભંગનો કોરડો વિઝાનાર છે પણ પક્ષમાં જ રહીને પક્ષને આડકતરી રીતે નુકશાન કરનારાને હવે હળવેકથી કોરાણે કરવા તૈયારીઓ કરાઇ છે જેથી કેટલાંય નેતાઓનુ રાજકારણ હવે પુરુ થઇ જશે.કોંગ્રેસ હાઇકમાન્ડ હવે યુવા નેતૃત્વને આગળ કરવા માંગે છે.


આ પણ વાંચો :