ભૈયુજી મહારાજની ગુજરાતમાં સંતનગરી બનાવવાની ઇચ્છા અધૂરી રહી
મુળ મધ્ય પ્રદેશનાં આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજનો નાતો ગુજરાત સાથે પણ વિશેષ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતકાળમાં ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ભૈયુજીએ જ ગુજરાતમાં 'સંત નગરી' બનાવવાનો વિચાર આપ્યો હતો. મોદીને પણ આ વિચાર સારો લાગતા ઉત્તર ગુજરાતમાં સંત નગરી બનાવવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ આખો પ્રોજેક્ટ જાણે સરકારી ફાઇલમાં જ રહી જતાં 'સંત નગરી' બનાવવાની ભૈયુજી મહારાજની ઇચ્છા અધુરી રહી છે. તાજેતરમાં જ ભૈયુજી મહારાજ ગાંધીનગરમાં આવ્યા હતા. જયાં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે, જમીન, ક્યાં આપવી તે સ્થળ નક્કી થઇ ગયું છે પરંતુ જમીનની ફાળવણી થઈ નથી. આ પ્રોજેક્ટ ખુબ જ મોડો થઇ રહ્યાનો વસવસો પણ ભૈયુજીએ વ્યક્ત કર્યો હતો. તેઓએ ભારે હૃદયે કહ્યું હતું કે હું બહુ બીમાર રહું છું. મારા કેટલાક આધ્યાત્મિક કાર્યો બાકી રહી ગયા છે. સરકારે શક્ય તેટલી વહેલી જમીનની ફાળવણી કરી દેવી જોઈએ. જો કે ગુજરાતની તેમની આ મુલાકાત છેલ્લી બની રહેશે તેવું કોઈએ વિચાર્યું પણ નહોતું. અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં જ્યારે પણ ભૈયુજી મહારાજ ગાંધીનગરમાં આવતા હતા ત્યારે સરકીટ હાઉસમાં સિનિયર-જૂનીયર મંત્રીઓ, આઇએએસ અધિકારીઓ, નેતાઓની લાઇન લાગતી હતી. તેઓ ભૈયુજી મહારાજને પગે લાગીને તેમનાં આશિર્વાદ મેળવતા હતા. ગુજરાતમાં પણ ભૈયુજી મહારાજનાં લાખો અનુયાયીઓ છે. તેઓ હજુ પણ માની શકતા નથી કે ભૈયુજીએ ગોળી મારી આપઘાત કર્યો છે. આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજે આત્મહત્યા કરી ફાની દુનિયાથી વિદાય લીધી છે. ગુજરાતમાં તેમના માર્ગદર્શન હેઠળ સાબરકાઠા જીલ્લાના વડાલી નજીક મહોર ગામમાં સંતનગરી નિર્માણ કરવાની હતી. નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન રૃા.૫૭૫.૨૦ કરોડના આ પ્રોજેક્ટ હવે પૂર્ણ થશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ સર્જાયો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી ભૈયુજી મહારાજના નેતૃત્વમાં મહોર ગામમાં સંતનગરી આકાર લઇ રહી છે.ચાર-પાંચ વર્ષમાં જ કામગીરી પૂર્ણ થવા હતી. સંત-મહાપુરુષોની જીવનઝાંખીને હુબહુ નિહાળવા સંતનગરી એક પ્રવાસન નહીં,ધાર્મિક નજરાણુ બની રહેેેશે. ૫૩૯ એકર જે જેટલી વિશાળ જમીનમાં ૨૩૫૦ સંત મહાપુરુષોની જીવનઝાંખી જોવાની અનોખી તક ઉપલબ્ધ થશે. સંતનગરીમાં શિલ્પ-સ્થાપત્યો,પહાડો,ઝરણાં,ગુફા સહિત એમ્ફી થિયેટર,કેફેટેરિયા,નોલેજ સેન્ટર,કિર્તન ખંડ પણ બનાવવામાં આવનાર છે. સંત મહાપુરુષોની યાદી બનાવવામાં આવી રહી છે. સંતમહાપુરુષોની જીવન ઝાંખીને મલ્ટીમિડીયા થકી પ્રદર્શિત કરવામાં આવશે.૨૩૫૦ સંત મહાપુરુષો વિશે અંહી જાણકારી મળી રહેશે.પ્રથમ તબક્કામાં સંત કબીર, તુકારામ, તુલસીદાસ, ગુરુ ગોવિંદસિંહ, સુરદાસ, દયાનંદ સરસ્વતી સહિતના સંતમહાપુરુષોની જીવનઝાંખીને આવરી લેવા નક્કી કરાયુ છે.