શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 જૂન 2018 (12:09 IST)

ભાવનગરમાં 5 કાળિયારનાં મોત થતાં અધિકારીઓ દોડતાં થયાં

ભાવનગર નજીક કાળાતળાવ ભાલ વિસ્તારના નર્મદ ગામ નજીક આવેલી “અર્ચિત ઓર્ગનોસીસ” નામની કેમિકલ કંપનીની પાછળના ભાગે  પાંચ જેટલા કાળીયારના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવના પગલે વનવિભાગ-એફ.એસ.એલ અને જીપીસીબી ના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા અને તમામ કાળીયારની લાશને પીએમ માટે મોકલી તેમજ પાણી તેમજ અન્ય સેમ્પલો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે કાળીયાર કમોતને લઇને અનેક તર્કવિર્તકો થઇ રહ્યા છે.  આ અંગેની વિગત એવી છે કે કાળાતળાવ ભાલ વિસ્તારના નર્મદ ગામ નજીક આવેલી “અર્ચિત ઓર્ગનોસીસ” નામની કેમિકલ કંપનીની પાછળના ભાગે આજે સવારે ૧૦ વાગ્યા આસપાસના સમયે પાંચ જેટલા કાળીયારના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા વનવિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને આ કાળીયારના મોત ફેકટરીના કેમિકલ યુક્ત પાણી પીવાથી થયા હોય તેમ જણાતા   આ બનાવ અંગે જીપીસીબીના અધિકારીઓ અને એફ.એસ.એલ ને જાણ કરતા તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જ્યાં ફેક્ટરી નજીક ભરેલા પાણીના સેમ્પલો  લેવામાં આવ્યા હતા તેમજ ઘટના સ્થળેથી કાળીયારના મોત બાદ તેમના મોઢામાંથી નીકળેલી પ્રવાહીના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા.જયારે તમામ કાળીયારને પીએમ માટે વિક્ટોરિયા પાર્ક એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે  યોગ્ય તપાસ અને પગલા ભરાય તેવી માંગ કરવામાં આવી છે. મોનોકોટો અને એસીટીક એસીડનું ઉત્પાદન કરતી “અર્ચિત ઓર્ગનોસીસ” કે જે અન્ય કેમિકલ તેમની સામે આવેલી નીરમા કંપની પાસેથી પાઈપ દ્વારા મેળવતી હોય અને જે પાઈપમાં લીકેઝ કે ભંગાણના કારણે ખાડામાં રહેલા પાણીમાં આ કેમિકલ ભળી જતા અને તેને પીવાથી કાળીયાર અને પક્ષીઓના મોત થયા નું હાલ સ્થાનિકો અનુમાન કરી રહ્યા છે ત્યારે હવે પીએમ અને એફ.એસ.એલ રીપોર્ટ બાદ જ હકીકત બહાર આવશે. સ્થાનિકોના મતે અહીં મોતને ભેટલા કાળીયાર ની સંખ્યામાં પણ વધારે હોય શકે છે ત્યારે આ બનાવમાં અનેક શંકાઓ ઉભી થઇ રહી છે જેમાં યોગ્ય તપાસ થાય તે પણ જરૂરી છે.