ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ઑગસ્ટ 2019 (12:25 IST)

ગુજરાતમાં જુનમાં 108 મીમી, જુલાઈમાં 222 મીમી; ઓગસ્ટના 11 દિ’માં 354 મીમી વરસાદ

છેલ્લા બે-ત્રણ દિવસ ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. આજે રાજયમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 83.95 ટકા વરસાદ થયો છે. છ જીલ્લાઓમાં 100 ટકા કે તેથી વધુ વરસાદ થયો છે. રસપ્રદ બાબત એ છે કે જુન મહિનામાં 108.59 મીમી, જુલાઈમાં 222.37 મીમી વરસાદ થયો છે. 
જયારે ઓગસ્ટ મહિનાનાં માત્ર 11 દિવસમાં જ રાજયમાં સરેરાશ 354.03 મીમી પાણી વરસી ગયુ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે આજે સવારે પૂરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન રાજયમાં 203 તાલુકામાં છુટોછવાયો વરસાદ હતો. સૌથી વધુ 39 મીમી (દોઢ ઈંચ) વરસાદ સુરતનાં ઓલપાડમાં હતો તેના આધારે જ વરસાદનું જોર ઘટયાનું સાબીત થઈ જાય છે.
હવામાનની દ્રષ્ટ્રિએ પાંચ ઝોનમાં વહેચાયેલા ગુજરાતમાં સૌથી વધુ 101.44 ટકા વરસાદ કચ્છમાં પડયો છે. 401 મીમીની સરેરાશ સામે 406 મીમી પાણી વરસી ગયુ છે દક્ષિણ ગુજરાતમાં 1418 મીમીની સરેરાશ સામે 1436 મીમી પાણી વરસી ગયુ છે. 
જે 101:27 ટકા થવા જાય છે. સૌરાષ્ટ્ર રીજીયનમાં 663 મીમીની સરેરાશ સામે 498 મીમી અર્થાત 75.09 ટકા પાણી વરસ્યુ છે. ઉતર ગુજરાતમાં 7.9 મીમીની સરેરાશ સામે 401 મીમી વરસાદ થયો છે. જે 56.56 ટકા થવા જાય છે. મધ્ય ગુજરાતમાં 812 મીમીની એવરેજ સામે 649 મીમી વરસાદ થયો છે જે 79.91 ટકા થવા જાય છે.
સમગ્ર રાજયમાં સૌથી વધુ 128.17 ટકા વરસાદ ભરૂચ જીલ્લામાં વરસ્યો છે. જયારે સૌથી ઓછો 49.79 ટકા વરસાદ ઉતર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં પડયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીનાં વરસાદના આંકડા પર નજર કરવામાં આવે તો કાયમી ઓછો વરસાદ ધરાવતાં કચ્છમાં રમઝટ થઈ છે અને 101.44 ટકા વરસાદ થઈ ગયો છે. સૌથી વધુ 157.97 ટકા અબડાસામાં થયો છે જયાં 360 મીમીની એવરેજ સામે 568 મીમી પાણી વરસી ગયુ છે.
સૌરાષ્ટ્રનાં જીલ્લાઓમાં સૌથી વધુ 107.36 ટકા વરસાદ બોટાદ જીલ્લામાં રહ્યો છે. 569 મીમીની એવરેજ સામે 611 મીમી પાણી વરસી ગયુ છે. બીજા ક્રમે મોરબી જીલ્લામાં 100.91 ટકા વરસાદ થઈ ગયો છે. રસપ્રદ વાત એ છે કે મોરબી જીલ્લામાં સીઝનમાં વરસાદનું આગમન સૌથી મોડુ થયુ છે પરંતુ છેલ્લા વરસાદે રેલમછેલ કરી દીધી હતી.
સુરેન્દ્રનગર જીલ્લામાં 81.36 ટકા, રાજકોટ જીલ્લામાં 72.89 ટકા, જામનગર જીલ્લામાં 86.55 ટકા, દેવભુમિ દ્વારકામાં 56.52 ટકા, પોરબંદર જીલ્લામાં 50.38 ટકા, જુનાગઢ જીલ્લામાં 70.33 ટકા, ગીર સોમનાથ જીલ્લામાં 66 ટકા, અમરેલી જીલ્લામાં 72.09 ટકા, ભાવનગર જીલ્લામાં 79.13 ટકા વરસાદ વરસી ગયો છે.