1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 એપ્રિલ 2018 (17:16 IST)

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું, હવે બે દિવસ હીટવેવની આગાહી

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી એક બાજુ તોબા પોકારાવી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાહત મળે તેવા સમાચાર આપવામાં આવ્યા છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલમાં પથંકમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.બે દિવસ પછી આવશે હીટ વેવહવામાન વિભાગ દ્વારા બે દિવસ પછી હીટવેવની આગાહી કરાતાં તાપમાનમાં બે ડીગ્રી સેલ્સિયસ જેટલો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આ ઉપરાંત જણાવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ બાદ ગરમીનો પારો વધશે. બે દિવસ બાદ 2 ડિગ્રી જેટલું તાપમાન વધશે. દરમિયાન પાટણમાં પવન સાથે કમોસમી વરસાદ થયો હોવાના સમાચાર મળ્યા છે. મેઘાડંબર વચ્ચે પાટણ વિસ્તારમાં વરસાદી છાંટા પડતાં, વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને ગરમીમાં થોડી રાહત મળી હતી. કચ્છમાં ભૂજ-માંડવીમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને લીધે લોકોને ગરમીમાં રાહત થઈ હતી. આ ઉપરાંત મોરબી- માળિયા, રાધનપુર, હારિજ, મહેસાણા, રાજકોટ, અમદાવાદમાં વરસાદી વાતાવરણ સાથે વરસાદી ઝાંપટા પડતા, વાતાવરણમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. અમદાવાદમાં વાતવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેર પર ઘનઘોર વાદળ ઘેરાયા હતા. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળઝાળ ગરમીમાંથી વાદળછાયું વાતાવરણ બાદ વાતાવરણમાં બફારાનો અનુભવ થયો હતો. રાજકોટનાં ઉપલેટામાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ઈસરા સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મોરબી જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં લોકેએ ગરમીમાં રાહત અનુભવી હતી. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા મોજું ફરી વળ્યું હતું. કેટલીક જગ્યાએ ખેતપેદાશો ખુલ્લામાં પડી રહી હોવાથી વરસાદને પગલે તે પલળી જતાં ખેડૂતોમાં ચિતા જોવા મળી હતી.