શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (11:54 IST)

લ્યો બોલો વિકાસ જ વિકાસ પણ કોનો? મુખ્યપ્રધાન રૂપાણી માટે તરત નવોનકોર રસ્તો તૈયાર

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની હદમાં આવતાં મોટાભાગનાં તમામ રસ્તાઓ ઉબડ-ખાબર અને બિસ્માર બની ગયાં હતાં જે અંગે સ્થાનિક રહિશો સહિત સીનીયર સીટીઝનોએ અનેક વખત મૌખિક તેમજ લેખીત રજુઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કાંઈ જ પગલાં લેવામાં આવ્યાં નહોતાં પરંતુ અચાનક મુખ્યમંત્રીનો કાર્યક્રમ ગોઠવાતાં તંત્ર સફાળું જાગ્યું હોય તેમ શહેરનાં રસ્તાઓ તાત્કાલીક રીપેરીંગ સહિત નવાં બનવા લાગતાં શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાની હદમાં આવતાં રસ્તાઓ પર ખોદકામથી શહેરની પ્રજા ત્રસ્ત બની ગઈ છે તેમજ તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે શહેરનાં તમામ રસ્તાઓ ઉબડ-ખાબડ તેમજ ધોવાઈ જતાં અકસ્માતો સહિત લોકોને પડી જવાના બનાવો પણ બની રહ્યાં હતાં તેમજ મુખ્ય માર્ગો સહિત અમુક રસ્તાઓ પર રોડની બંન્ને સાઈડ ધુળની ડમરીઓ તેમજ કચરાના ઢગલાઓ નજરે પડતાં હતાં અને સુરેન્દ્રનગર શહેર ધુળીયુનગર બની ગયું હોય તેમ લાગતું હતું. જે મામલે અનેક વખત સામાજીક સંસ્થાઓ સહિત રહિશોએ પાલિકા તંત્ર સહિત જિલ્લા કલેકટર અને ચીફ ઓફીસરને લેખીત રજુઆતો પણ કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ જ ગંભીરતાં દાખવવામાં આવી નહોતી કે કોઈ જ પગલાં પણ લીધા નહોતા જે મામલે રહિશોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે અચાનક તંત્ર સફાળું જાગ્યું હોય તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સુરેન્દ્રનગર ખાતે લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમ ગોઠવાતાં શહેરનાં તમામ રસ્તાઓ ફરી ડામર પાથરવા સહિત રોડની બંન્ને સાઈડ સફાઈ તેમજ પાવડરનો છંટકાવ કરવાની કામગીરી દિનરાત કરવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અને માત્ર મુખ્યમંત્રીને સારૂ લગાડવા અને દેખાવ પુરતાં જ રસ્તાઓ નવા બનાવવામાં આવતાં હોવાથી પાલિકા તંત્રની કામગીરી સામે અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી. સુરેન્દ્રનગર પ્રજા છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર રસ્તા તેમજ સફાઈ સહિતની સુવિધાઓથી ત્રસ્ત બની ગઈ છે જ્યારે તંત્ર દ્વારા નિયમીત ટેક્ષની વસુલાત કરવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધાના નામે લોકોને કાંઈ જ સગવડતાં આપવામાં આવતી નથી ત્યારે મુખ્યમંત્રીના આગમન ટાંણે તેમને સારૂ લગાડવા બનેલા રસ્તા પર દેખાવ પુરતો ડામર પાથરી શહેરને સુંદર દેખાડવાના પ્રયત્નો કરવામાં આવતાં સોશ્યલ મીડીયામાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ મુખ્યમંત્રી સહિત તંત્રના કાર્યક્રમનો વિરોધ પણ કર્યો હતો.સુરેન્દ્રનગર શહેરમાં જ્યારે પણ મુખ્યમંત્રીનું આગમન થાય છે ત્યારે તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર દેખાડવા તાત્કાલીક સફાઈ અને રસ્તા સહિતની કામગીરી હાથધરવામાં આવે છે. જ્યારે તાજેતરમાં પણ મુખ્યમંત્રીના આગમન પહેલાં રસ્તાઓ પર ડામર પાથરી સફાઈ કરવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.