શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 મે 2021 (13:49 IST)

ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા પહેલા ગુજકેટ લેવાશે? પરીક્ષાના ફોર્મ નહીં ભરાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલી તારીખ મુજબ આગામી 24મી જુને ગુજકેટ લેવામા આવનાર છે અને 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા 1લી જુલાઈથી શરૃ થનાર છે.આમ આ વર્ષે પ્રથમવાર મુખ્ય બોર્ડ પરીક્ષા ગુજકેટ લેવાશે તેવુ લાગી રહ્યુ છે. જો કે હજુ સુધી ગુજકેટ માટે બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ જ ભરવામા આવ્યા નથી અને સરકારે 1લી જુલાઈથી બોર્ડ પરીક્ષા ગોઠવતા ગુજકેટ પાછી ઠેલાઈ શકે છે. પરંતુ બોર્ડ દ્વારા હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા લેવાયા બાદ એપ્રિલમાં ગુજકેટ લેવાતી હોય છે. અગાઉ મેડિકલ પ્રવેશ માટે ગુજકેટ લેવાતી હતી અને નીટ લાગુ થયા બાદ થોડા વર્ષોથી રાજ્યની કોલેજોમાં ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટ લેવામા આવે છે. ગત વર્ષે કોરોનાને લઈને ગુજકેટ ઓગસ્ટમા લેવામા આવી હતી અને આ વર્ષે પણ કોરોનાને લઈને બોર્ડ પરીક્ષાઓ અને ગુજકેટ બંને હજુ સુધી લઈ શકાઈ નથી. જો કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખ ઘણા દિવસો પહેલા નક્કી કરી દેવાઈ હતી અને જે મુજબ 24મી જુને રાજ્યભરમાં ગુજકેટ લેવામા આવનાર છે. આ વર્ષે ગુજકેટ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ વધશે. ગત વર્ષે 1.30  લાખથી વધુ વિદ્યાર્થીએ ગુજકેટ આપી હતી અને આ વર્ષે 12 સાયન્સની બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ વધતા ગુજકેટ આપનારા વિદ્યાર્થીઓ પણ વધે તેવી શક્યતા છે.જો કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હજુ સુધી ગુજકેટ પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ શરૃ કરાયુ નથી. મોટા ભાગે પરીક્ષાના એક મહિના પહેલા જ ઓનલાઈન ફોર્મ ભરાવી દેવામા આવે છે પરંતુ હજુ સુધી રજિસ્ટ્રેશન શરૃ ન થયુ હોઈ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.  બોર્ડે નક્કી કરેલી ગુજકેટની તારીખ મુજબ પ્રથમવાર આ વર્ષે 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા પહેલા જ ગુજકેટ લેવાશે કે કેમ ? જો કે સરકારે 1 લી જુલાઈથી ધો.12ની બોર્ડ પરીક્ષા યોજવાનું જાહેર કરતા અને હજુ સુધી ગુજકેટ માટે રજિસ્ટ્રેશન પણ ન થયુ હોઈ ગુજકેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર થઈ શકે છે અને ગુજકેટ જુલાઈના અંતમાં લેવાય તેવી  પણ ચર્ચા છે.