મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 જૂન 2021 (18:33 IST)

અમદાવાદમાં પત્નીની સામે જ પતિ પ્રેમિકા સાથે અંગતપળો માણતો, પત્નીને માર મારીને કહેતો જે થાય તે કરી લે

અમદાવાદ શહેરમાં પરિણીતાને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનો અને પતિના આડા સંબંધોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતો પતિ પત્નીને પ્રેમ કરવાને બદલે પ્રેમિકાને જ ઘરે લાવતો અને તેની સાથે અંગત પળો પણ માણતો હતો. પત્નીએ પતિની આ આડાસંબંધોનો વિરોધ કર્યો તો પતિએ કહ્યું મહિલાઓને તો હાથ નીચે રાખવી જોઈએ. જેને પગલે મહિલાએ પતિને પાઠ ભણાવવા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય મહિલા હોસ્પિટલમાં નોકરી કરે છે. આ મહિલાના વર્ષ 2013માં રાજસ્થાનમાં રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ આ મહિલા તેના સાસરે રહેવા ગઈ હતી. જ્યાં તેના સાસરિયાઓએ લગ્નના એક મહિનો જેટલું સારી રીતે રાખી હતી અને બાદમાં ઘરકામ બાબતે મહિલાનો વાંક કાઢી તને કંઈ આવડતું નથી તેમ કહી ત્રાસ આપતા હતા. મહિલાનો પતિ પણ લગ્ન બાદ વારંવાર તેને કહેતો હતો કે અમદાવાદ ખાતે તેના પિતાના ત્યાં રહેવા જઈએ અને તે ઘરનો મોટો જમાઈ હોવાથી મિલકત ભાગમાં આવે એ પણ આપણે સાચવવું પડશે. જેથી મહિલા લગ્નના સાતેક મહિના બાદ તેના પતિ સાથે અમદાવાદ ખાતે આવી હતી અને રાણીપમાં તેના માતા-પિતા સાથે રહેવા લાગી હતી. વર્ષ 2014માં આ મહિલાના જેઠના લગ્ન હોવાથી તેના જેઠે ફોન કરીને મહિલાના માતા-પિતા પાસેથી લગ્નના ખર્ચ માટે રૂપિયા માંગ્યા હતા. જેથી મહિલાએ 30 હજાર રૂપિયા રોકડા લઈને તેની સાસુને આપ્યા હતા. જોકે ત્યારબાદ પણ સાસુ-સસરા અને જેઠ આ મહિલાના પતિને ફોન કરીને તેના વિરુદ્ધમાં ચઢામણી કરીને કહેતા કે ‘બૈરાને હાથ નીચે રાખવાના તો જ સીધા ચાલે અને તારા સસરા ને કહેજે કે તેમની મિલકત તારા નામે કરાવી આપે’ બાદમાં મહિલાના પતિએ તેના પિતા પાસેથી રીક્ષા લઇ આપવાની વાત કરી. પરંતુ પરિણીતાએ ના પાડતાં તેને માર માર્યો હતો. જોકે દીકરીનું ઘર સાચવવા માટે મહિલાના પિતાએ તેના જમાઈને 50,000 રૂપિયાની મદદ કરી હતી. બાદમાં 2019માં મહિલાના પતિએ બાઈકની માગણી કરી હતી. તેમજ જો બાઈક નહીં આપે તો તને અને તારી દીકરીને છોડીને જતો રહીશ તેવી ધમકી આપતાં મહિલાના પિતાએ જમાઈને બાઈક લેવા માટે વધુ 25,000 રૂપિયા રોકડા આપ્યા. તેમજ મહિલાએ લોન પણ કરાવી આપી અને હપ્તા પણ તેણી જ ભરતી હતી. બાદમાં આ મહિલાને જાણ થઈ હતી કે તેના પતિને સંજના(નામ બદલ્યું છે) નામની સ્ત્રી સાથે આડા સંબંધ છે. પતિ પત્નીને માનસિક ત્રાસ આપવા માટે તેની સામે જ પ્રેમિકા સંજના સાથે રોમાન્સ કરતો અને ઝઘડો કરી માર મારતો હતો. મહિલાના પતિએ તેને કહ્યું હતું કે હું સંજનાને નહીં છોડી શકું, તારાથી જે થાય તે કરી લે. જેથી સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.