ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રાજકોટઃ , બુધવાર, 24 મે 2023 (18:58 IST)

ગાંધીનગરમાં પાંજરાપોળ જમીન કૌભાંડમાં નામ આવતાં પૂર્વ CM વિજય રૂપાણીએ કહ્યું, લાંગા મને બદનામ કરે છે

rupani
હું મુખ્યમંત્રી હતો ત્યારે લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતીઃ વિજય રૂપાણી
 
ગાંધીનગરમાં કલોલ તાલુકાના મુલાસણની પાંજરાપોળની જમીનમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર કરેલા પ્રહારો બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જમીનના ભ્રષ્ટાચારના મુદ્દે ખુલાસો કર્યો હતો. તેમણે મીડિયા સામે કહ્યું હતું કે, કલેક્ટર એસ કે લાંગાએ મને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતી. હવે લાંગા હાઈપાવર કમિટીની વાત કરીને ગેરમાર્ગે દોરે છે. હાઈ પાવર કમિટીમાં પાંજરાપોળની કથિત જમીન બાબતે ક્યારેય ચર્ચા થઈ નથી. 
 
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કર્યો
રૂપાણીએ મીડિયાને કહ્યું હતું કે, લાંગા કથિત પત્રને બદલે પોતાના નામે પત્ર લખીને સત્ય ઉજાગર કરે. મારા કાર્યકાળ દરમ્યાન લાંગા સામે ભ્રષ્ટ્રાચાર કર્યાનાં આરોપ લાગ્યા હતા. પંચમહાલમાં ભ્રષ્ટ્રાચાર બાબતે મેં જ લાંગા વિરૂદ્ધ તપાસ કરાવી હતી. અમદાવાદ નજીક આવેલા મુલાસણમાં પાંજરાપોળની જમીનમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો છે. મુલાસણાની પાંજરાપોળની જમીન બિલ્ડર અને મળતિયાને પધરાવવાનો આરોપ હતો.ત્યારે એસ.કે.લાંગા ગાંધીનગર કલેક્ટર હતા તે સમયે કૌભાંડ થયું હતું. હવે લાંગાની સામે ગાળિયો કસાતા એક નનામો પત્ર વાયરલ કરાયો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. 
 
50 હજાર કરોડ કરતા વધુનું કૌભાંડ થયુંઃ કોંગ્રેસ
ગાંધીનગરમાં જમીન કૌભાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે પાંજરાપોળની જમીનમાં કૌભાંડ આચર્યું છે. ઉચ્ચ અધિકારીઓએ સરકારના ઈશારે આ કૌભાંડ આચર્યું છે. કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે આરોપ લાગ્યો છે. વિજય રૂપાણી અને પૂર્વ મહેસુલ મંત્રી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર જમીન કૌભાંડ પર સરકાર સ્પષ્ટતા કરે. સરકાર જમીનનો કબજો પરત લે અને જમીન પર થતા બાંધકામ અટકાવે. વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 50 હજાર કરોડ કરતા વધુનું કૌભાંડ થયું છે. હાઈકોર્ટે સુઓમોટો કરી હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરે. તેમજ SITની રચના કરી તપાસ થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.