સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ડિસેમ્બર 2020 (12:56 IST)

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 142 તાલુકામાં કમોસમી વરસાદ

ગત 24 કલાકથી વેસ્ટર્ન ડિસ્ટર્બના લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે રાજ્યભરમાં અષાઢી માહોલ સર્જાયો છે. જેના લીધે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 142 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ખેરગામ, ઉમરગામ, વાપી, ચીખલી, સુરત શહેર, વઘાઈ, જાફરબાદ, કામરેજ સહિતના તાલુકાઓમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 
 
જ્યારે  જાફરાબાદમાં દોઢ અને રાજુલામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા, ખાંભા ખાબક્યો હતો. તો આ તરફ વેરાવળ, ઉના, સૂત્રપાડા, તાલાલા, કોડિનારમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વરસાદી વાતાવરણની સાથે આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી ધુમ્મસનું વાતાવરણ છવાયું હતું અને હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 
 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાતાવરણ પર અસરના કારણે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો તેમજ વરસાદની આગાહી કરી છે. સાથે જ આવતીકાલથી રાજ્યમાં લઘુતમ તાપમાનમાં ઘટાડાની સાથે ઠંડીનો પ્રમાણ પણ વધશે. સોમવારથી અમદાવાદમાં ઠંડીનો પારો 8 ડિગ્રી જેટલો ગગડીને 12 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. 
 
હાલમાં અમદાવાદમાં માવઠાની અસરને લીધે ઠંડી વધી છે, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ સોમવારથી અમદાવાદમાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે, જેને કારણે અમદાવાદના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય પણ લઘુતમ તાપમાન ગગડીને સોમવારથી 12 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.