1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (12:24 IST)

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અમરાવતી નદીમાં માછલીઓના મૃત્યુ સંદર્ભે દંડનીય કાર્યવાહી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સારંગપુર મોતાલી રોડ નજીક અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી ભળવાના કારણે માછલી મરવાની ફરીયાદના સંદર્ભમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, અંકલેશ્વર તથા જિલ્લા મત્સ્ય ઉદ્યોગ, ભરૂચ વિભાગ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આસપાસના વિસ્તાર અને ઘટના સ્થળ પરથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમુના લઈ તથા જિલ્લા મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા ઘટના સ્થળેથી મૃત માછલીઓના નમુના લઈ સઘન તપાસ હાથ ધરી છે.
 
પ્રાથમિક તારણ મુજબ અંકલેશ્વર વસાહતમાં આવેલ ‘‘C’’ પંમ્પીન્ગ સ્ટેશન પાસેનો પાળો તા.૦૭/૧૧/૨૦૧૯ ના રોજ પડેલ વરસાદના કારણે ઉભરાઇ જતા કેમીકલ કન્ટામીનેટેડ વરસાદી પાણી સારંગપુર ખાડી મારફતે અમરાવતી નદીમાં ભળેલ હોવાનું જણાયું છે. જે સંદર્ભે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટીફાઇડ એરીયા ઓથોરીટીને તાત્કાલીક પગલા લેવા માટે પ્રાદેશિક કચેરી દ્વારા સુચના આપવામાં આવી છે. આ અગાઉ પણ નોટીફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા આ પ્રકારની નિષ્કાળજી દાખવી હતી જે અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.