રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (18:42 IST)

ગુજરાતમાં 250 નવા મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે, 1962 નંબર પર ફોન કરવાથી ઘરે જ પશુ સારવાર મળશે

ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગ સહિતના અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન ક્ષેત્રને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પશુ કલ્યાણકારી પ્રયાસો હાથ ધર્યા છે.

વડાપ્રધાન મોદીએ રાજ્યમાં શરૂ કરેલી પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS મારફતે ૨૫૦ નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે.પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહ્યું છે.

પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહામૂલા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ યોજના હેઠળ ગુજરાતમાં કાર્યરત ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના થકી અત્યારે ૫,૩૦૦ થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના મહત્તમ ગામડાઓને આ સેવાનો લાભ મળે તે માટે નવા ફરતા પશુ દવાખાના શરૂ કરી વધુ ગામડાઓને આવરી લેવાની રાજ્ય સરકારની નેમ છે.મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, આ નેમને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં જ નવા ૨૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પશુ હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે પૈકીના ૨૦૦ નવીન ફરતા પશુ દવાખાના બિન-આદિજાતિ વિસ્તારમાં અને ૫૦ નવીન ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ રૂ. ૧૭.૭૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.પશુપાલન મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, નવા ૨૫૦ ફરતાં પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના વધુ ૨૫૦૦ જેટલા ગામના પશુઓને ઈમરજન્સીમાં ઓન કોલ ૧૯૬૨ નંબર પર ફોન કરવાથી ઘર આંગણે જ પશુ સારવારની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. ગામોમાં આ સેવા ઘરબેઠા ઉપલબ્ધ થવાથી જે તે વિસ્તારમાં પશુચિકિત્સા સેવાના વ્યાપમાં પણ વધારો થશે. કુદરતી હોનારત અને રોગચાળો ફાટી નીકળે તેવી વિકટ સ્થિતિમાં પણ રોગચાળા નિયંત્રણની કામગીરી માટે આ ફરતાં પશુ દવાખાના ઉપયોગી સાબિત થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.