ડીગ્રી વડાપ્રધાનને મોકલીને વિરોધ, બેરોજગાર યુવકનો નવતર પ્રયોગ

Last Modified ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (12:07 IST)

ધોરાજીનાં યુવાને પોતાની એમએસડબલ્યુની ડિસ્ટીંકશન સાથેની ડિગ્રી આજે ડેપ્યુટી કલેક્ટર મારફત વડાપ્રધાનને મોકલી આપીને નવતર રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ધોરાજીમાં જમનાવડ રોડ ઉપર માધવનગરમાં રહેતો સંકેત મકવાણા નામનો યુવાન આજે બપોરે ડેપ્યુટી કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો અને સરકારની ભ્રષ્ટ નીતિ અને બેરોજગારીની વ્યથા ઠાલવતું આવેદનત્ર આપવા સાથે પોતાની એમએસડબલ્યુની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપવા કહ્યું હતું.
આવેદનપત્રમાં યુવાને આક્રોશ વ્યક્ત કર્યો છે કે, લોકરક્ષકની પરીક્ષાનું આયોજન થયું પણ ઉમેદવારો પરીક્ષામાં બેસે એ પહેલા આન્સર કી ફરતી થઈ ગઈ હતી અને પેપર રદ થવાના કારણે ૧૦ લાખ યુવાનો માનસિક હતાશ થઈ ગયા છે. દરેક ભરતી પ્રક્રિયામાં ક્યાંકને ક્યાંક ગેરરીતિના કિસ્સા જોવા મળે છે. જેથી ભરતી પ્રક્રિયા પારદર્શક બનાવવી જોઈએ.
વધુમાં જણાવ્યું છે કે, 'અભ્યાસ કર્યા પછી સરકારી નોકરીના સપના ઉપર પાણી ફરી વળે છે. સ્ટાર્ટઅપ યોજના હેઠળ ખુદ વડાપ્રધાન મોદીએ બે કરોડ યુવાનોને રોજગારી આપવાના સપના દેખાડયા હતા, પણ નોકરી તો આપી નહીં અને ઉલ્ટાનું હવે પેપર દેવાલાયક પણ રાખ્યા નહીં. આજે ૨૦૦૦ તલાટીની ભરતીમાં ૧૦ લાખ ફોર્મ ભરાય છે તો એમાં ક્યાંય રોજગારી દેખાતી નથી.
ગુજરાત સરકારની આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં પણ મામુલી વેતન આપીને યુવાનોનું શોષણ થાય છે. આના કરતા ખેતમજુર બનવું સારૂ. એટલા માટે મારી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પરત મોકલું છું' એવી હૈયાવરાળ ઠાલવીને યુવાને રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીને પણ આવેદનપત્રની નકલ મોકલતા ભારે ચકચાર જાગી છે.આ પણ વાંચો :