શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 11 એપ્રિલ 2017 (12:07 IST)

છોકરીઓની અછતના કારણે ગુજરાતના 24 પાટીદાર યુવાનો ઓરિસ્સાની છોકરીઓ સાથે લગ્ન કરશે

અમદાવાદમા પટેલ સમાજ કલ્યાણ કેળવણી ટ્રસ્ટ તથા અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના સહયોગથી 24 પટેલ યુવાન ઓરિસ્સાની યુવતીઓ સાથે પ્રભુતામાં પગલાં પાડશે.  સમાજમાં 1000 દિકારીઓ સામે 912ની આસપાસ દીકરીઓનો રેશિયો છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પટેલ સમાજમાં છોકરીઓની ભારે અછત છે. સમાજમાં છોકરીઓમાં એજ્યુકેશનનું પ્રમાણ વધારે હોવાથી સમાજના ઓછું ભણેલા છોકરાઓનાં લગ્ન થતાં નથી. ત્યારે હવે આવા છોકરાઓના લગ્ન થાય તે માટે સમાજના ચિંતિત અગ્રણીઓએ આંતરરાજ્ય લગ્નોને સ્વીકૃતિ આપી છે.

સમાજના અગ્રણીએ જણાવ્યું કે, 'કુર્મી મહાસભાના સહયોગથી ઓરિસ્સાના પરિવારોનો સંપર્ક કરી તેમને અમદાવાદ બોલાવાયા હતા. જે રવિવારે લગ્નોત્સુક યુવકો સાથે પસંદગી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં 24 યુવકે પસંદ કરેલી છોકરીઓ સાથે આજે બપોરે 2 વાગ્યાથી લગ્નોત્સવનું આયોજન કરાયું છે. લગ્નોત્સવ બાદ પ્રભુતામાં પગલાં પાડનારાં આ 24 નવદંપતીને આશીર્વાદ આપવા પરિવારજનો ઉપરાંત સાંજે 5 વાગે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, અખિલ ભારતીય કુર્મી મહાસભાના પ્રમુખ એલ. પી. પટેલ, વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા સહિત સમાજના અગ્રણીઓ હાજર રહેશે. આ મુદ્દે વાત કરતાં હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ પુરષોત્તમ પટેલે જણાવ્યું હતું કે, દેશભરમાં ફેલાયેલો પાટીદાર સમાજ ઓરિસ્સામાં કુર્મી પાટીદાર તરીકે ઓળખાય છે. ત્યાં દહેજનું પ્રમાણ ઉચું હોવાથી આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને વર મળતાં નથી. તો ગુજરાતમાં દિકરાઓ સામે દીકરીઓની સંખ્યા ઓછી હોવાથી ઘણા યુવકોને કન્યા મળતી નથી. આથી બંને પક્ષની સમસ્યાનું સમાધાન કરતાં આ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. ચાર વર્ષ પહેલાં સોરઠમાં અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાનું  મહાસંમેલન  યોજાયું હતું. જેમાં પ્રશ્ન ચર્ચાયો હતો અને તેના નિવારણમાં જે રાજ્યોમાં પાટીદારો હોય તેમને એક કરીને પાટીદારના દીકરાને પાટીદારની જ દીકરી મળે તેનો આ પ્રયાસ છે.