શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 એપ્રિલ 2017 (15:22 IST)

વડોદરા નજીક પોર ગામમાં ક્લોરિન ગેસ લીકેજ થતાં લોકો ઘર છોડી ભાગ્યા

શહેર નજીક આવેલા પોર ગામ સ્થિત નવીનગરીમાં ગુરુવારની મોડી રાતે પાણીની ટાંકી પાસે પાણી શુધ્ધીકરણ માટે મુકેલા સિલિન્ડરમાંથી ક્લોરીન ગેસ લીકેજ થતાં સમગ્ર નવીનગરીમાં દુર્ગંધ ફેલાઈ હતી. ક્લોરિન ગેસની એકસાથે ૫૦થી વધુ લોકોને અસર થતાં નવીનગરીમાં નાસભાગના પગલે અફડાતફડી મચી હતી અને એક હજારથી વધુ વસ્તી મેઈનરોડ પર દોડી જતાં ઉત્તેજના ફેલાઈ હતી.

પોર ખાતે આવેલી નવીનગરીમાં આશરે ૨૫૦થી વધુ મકાનો આવેલા જેમાં મોટાભાગના મધ્યમ અને શ્રમજીવી પરિવારો રહે છે. નવીનગરીના રહીશો માટે ગ્રામ પંચાયત દ્વારા રહેણાંક વિસ્તાર પાસે જ પાણીની ટાંકી બનાવવામાં આવી છે. આ ટાંકીના પાણીના શુધ્ધીકરણ માટે ક્લોરિન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. રાત્રે આશરે સવા નવ વાગ્યાના અરસામાં પાણીની ટાંકી પાસે મુકેલા ક્લોરિન ગેસના સિલિન્ડરમાંથી અચાનક ક્લોરીન ગેસ લીકેજ થવાની શરૃઆત થઈ હતી. શરૃઆતમાં સમગ્ર નવીનગરીમાં દુર્ગંધ આવ્યા બાદ ક્લોરિન ગેસથી અસર થવાની શરૃઆત થઈ હતી. નવીનગરીના બાળકો અને મહિલા સહિતના રહીશોને એક સાથે શ્વાસ લેવામાં તકલીફ પડયા બાદ આંખો અને છાતીમાં બળતરા થવા માંડયા હતા અને સતત ખાંસી આવવાની શરૃઆત થઈ હતી.

આ દરમિયાન નવીનગરીમાં ક્લોરિન ગેસના લીકેજની વાતો સાથે આસપાસની કંપનીમાંથી ઝેરી ગેસ છુટયો હોવાની અફવા ફેલાતા જ નવીનગરીના રહીશોમાં ગભરાટ સાથે નાસભાગ મચી હતી. આ દરમિયાન એક સાથે ૫૦થી વધુ લોકોની તબિયત અચાનક લથડી હતી અને તેઓ બેભાન થવાની શરૃઆત થતાં લોકોએ ઘરમાંથી નીકળીને રોડ તરફ ભાગવાની શરૃઆત થઈ હતી.હોબાળા અને બુમરાણોના પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ થતાં ભારે ઉત્તેજના ફેલાઈ હતી. એક સાથે નવીનગરીના એક હજારથી વધુ રહીશો રોડ પર દોડી જતા રોડ પર પણ ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવની જાણ થતાં જ જીલ્લા અને ગ્રામ્ય વહીવટી તંત્ર તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ બનાવમાં ગંભીર રીતે અસરગ્રસ્ત બનેલા મહિલાઓ સહિત ૧૫ વ્યકિતઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બીજીતરફ ગેસ લીકેજ રોકવા માટે જીએસીએલ કંપનીની ટ્ેકનીશ્યનોની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવતા પરિસ્થિતિ થાળે પડી હતી.