શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (15:46 IST)

પાટણમાં દર્શાવવામાં આવેલી નર્મદારથની ફિલ્મ ફ્લોપ ગઈ, કોઈના આવ્યું કાગડા ઉડ્યા

ગુજરાત સરકાર દ્વારા નર્મદા યોજનાના પ્રચાર અને પ્રસાર માટે અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે. જે અંતર્ગત તારીખ 13 થી 16 દરમિયાન 'નર્મદાયાત્રા' કાઢી ઠેર-ઠેર 'નર્મદારથ'નું પરિભ્રમણ કરાવવામાં આવ્યું હતું. તેમજ ઉત્તર ગુજરાતના પાટણ શહેરના આનંદ સરોવર ખાતે ઓપન એર થિયેટરમાં સરકારે 'નર્મદારથ' પર બનાવેલી ફિલ્મ બતાવવાનું ભવ્ય આયોજન કર્યું હતું. પરંતુ માત્ર 20 થી 25 લોકો જ ફિલ્મ નિહાળવા આવતા આ ફિલ્મનો સંપૂર્ણ ફિયાસ્કો થયો હતો અને ઓપન એર થિયેટરમાં કાગડા ઉડતા હોય એવો માહોલ સર્જાયો હતો.

સરકારે આનંદ સરોવરને ઝગમગતી રોશની વડે શણગારવા માટે લાખો રૂપિયાનું આંધણ કર્યું હતું. અને હજારો લોકોને ફિલ્મ બતાવી વાહવાહી લૂંટવાની સરકારને આશા હતી. પરંતુ સરકારની આ આશા પર પાણી ફરી વળ્યું છે. 'નર્મદાયાત્રા' દરમિયાન ઠેર-ઠેર 'નર્મદારથ'નો વિરોધ કરાયો હોવાને કારણે લોકોમાં આ ફિલ્મ નિહાળવા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી હોવાનું સામે આવતા સરકારની ગણતરી ઉંધી પડી હોવાની ચર્ચા હાલ લોકમુખે સંભળાઇ રહી છે.