બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 માર્ચ 2018 (12:17 IST)

જાણો હવે વિદ્યાર્થીઓના વાલીઓ કેમ કહી રહ્યાં છે કે મારા હાળા છેતરી ગ્યાં

ખાનગી શાળાની ફી નિર્ધારણ મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલો જે નક્કી કરે તે ફી વાલીઓને ભરી દેવાનું નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. વિધાનસભામાં માર્ચ-2017માં ખાનગી સ્કૂલ ફી નિયમન વિધેયક પસાર થયા બાદ રાજ્ય સરકાર ખાનગી સ્કૂલો દ્વારા ફીના નામે ચલાવાતી લૂંટ રોકશે તેવી વાલીઓની આશા ઠગારી નિવડી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખાનગી સ્કૂલોની કમરતોડ ફી સામે આંદોલન ચલાવી રહેલા વાલીઓને ઝટકો આપતા પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટ કહ્યું કે, જ્યાં સુધી કમિટી નક્કી ન કરે ત્યાં સુધી સ્કૂલના સંચાલકો કહે તેટલી ફી ભરવી પડશે.

શિક્ષણમંત્રીએ હાલમાં સ્કૂલ દ્વારા જે પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવી હોય તે ભરવા વાલીઓને સલાહ આપી છે અને જ્યારે ફી કમિટી સ્કૂલોની ફી નક્કી કરશે ત્યારે ડીફરન્સની રકમ સરભર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જેના પગલે સ્કૂલોને હાલમાં બેફામ ફી લૂંટવાનો પરવાનો મળી જશે તેમ માની વાલીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જ્યારે વાલી મંડળે તો એવો આક્ષેપ પણ કર્યો હતો કે, આ કેસમાં સરકાર પિટીશનર હોઈ અને કેસ હજુ ચાલતો હોઈ સરકાર કોઈ નિવેદન આપી શકે નહીં.
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફી મુદ્દે આપેલા નિવેદનને લઈને ભારે વિવાદ થયો છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં સ્કૂલોએ જે પ્રોવિઝનલ ફી નક્કી કરી છે તે વાલીઓએ ભરી દેવી. ત્યાર બાદ ફી કમિટી દ્વારા સ્કૂલોની ફી નક્કી કરવામાં આવશે અને તેના આધારે વાલીઓને ડીફરન્સની રકમ સરભર કરવામાં આવશે. શિક્ષણમંત્રીને આ નિવેદનને લઈને વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ નિવેદનથી ફી કમિટીની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થઈ શકે તેમ છે. શિક્ષણમંત્રીના નિવેદન પ્રમાણે સ્કૂલોએ નક્કી કરેલી પ્રોવિઝનલ ફી વાલીઓએ ભરવાની રહેશે. જોકે, પ્રોવિઝનલ ફી નક્કી કરવા માટે તો સરકારે કમિટીની રચના કરી છે અને હાલમાં દરખાસ્ત મંગાવી સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પ્રોવિઝનલ ફી નક્કી કરવાની સત્તા કોની તે સામે પ્રશ્નો ઉભા થયા છે. જો સ્કૂલોને પ્રોવિઝનલ ફી નક્કી કરવાની સત્તા હોય તો કમિટી દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેનો કોઈ અર્થ રહેતો નથી અને જો પ્રોવિઝનલ ફીની સત્તા કમિટીને હોય તો સ્કૂલો કઈ રીતે પ્રોવિઝનલ ફી નક્કી કરી શકે. 
રાજ્ય સરકારે પ્રાથમિક સ્કૂલો માટે વાર્ષિક 15 હજાર અને માધ્યમિક સ્કૂલો માટે ફી 25 હજાર નક્કી કરાઈ હતી. જ્યારે ઉચ્ચતર માધ્યમિક (વિજ્ઞાન પ્રવાહ) માટે વાર્ષિક 30 હજાર ફી નક્કી કરવામાં આવી હતી. સરકારે ફી નિયંત્રણ સમિતિની પણ રચના કરી હતી. આ ફી નિયમન કાયદાને હાઈકોર્ટે પણ મહદઅંશે મંજૂર રાખ્યો હતો. તે પછી સરકારે વાહવાહી લૂંટવા ફીના નક્કી કરાયેલા ધોરણો દર્શાવતા મોટા-મોટા હોર્ડિંગ્સો પણ ઠેર-ઠેર લગાવ્યા હતા.