સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 એપ્રિલ 2018 (14:27 IST)

દારુબંધીના લીરે લીરા ઉડ્યા : બે મહિનામાં 23 કરોડનો વિદેશી દારુ પકડાયો

ગુજરાતના હાસ્યાસ્પદ બનેલા દારુબંઘીના કાયદા સામે રાજ્યસરકારે ફરીએક વાર કટીબદ્ધતાનો દાવો કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં નશાબંધી અને જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિ સંપૂર્ણપણે નાબૂદ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્ય સરકારે નશાબંધી ધારાની જોગવાઇઓમાં કડક સુધારાઓ પણ કર્યા છે. જેના પરિણામે સામાજિક તંદુરસ્તી સુદ્રઢ બની છે. પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભ ઉપર કાર્ય કરતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ તથા સ્ટેટ મેનોટરીંગ સેલની અસરકારક કામગીરીના પરિણામે દેશી તથા વિદેશી દારૂના ગુનાઓમાં વર્ષ-2016ની સામે વર્ષ-2017માં 48 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ-2016માં દેશી દારૂ સંબંધી 1,53,156 ગુનાઓ નોંધાયા હતા. પરંતુ રાજ્ય સરકારે નશાબંધીના કાયદામાં ત્રણ ગણો વધારો કરીને વધુ કડક બનાવતા વર્ષ-2017માં દેશી કે વિદેશી દારૂ સંબંધી ગુનાઓની સંખ્યા ઘટીને 79,558 થઈ છે એટલે કે, આ ગુનાઓમાં 48 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગૃહ રાજ્યમંત્રી મંત્રીએ ગુજરાત પોલીસે છેલ્લાં ત્રણ માસમાં કરેલી ફાસ્ટ્રેક કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે સુધારેલા કાયદા બાદ દારૂ સંબંધી ગુનાઓ સામે ખૂબ જ કડક હાથે કામ લીધુ છે. જેના ભાગરૂપે રાજ્યમાં જાન્યુઆરી-2018થી માર્ચ-2018 સુધીમાં દારૂ સંબંધી કુલ 48,273 કેસ કરીને કુલ 1,95,536 લિટર દેશી દારૂ અને 21,27,996 વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં અંદાજે કુલ રૂ. 23 કરોડનો વિદેશી અને રૂ. 23 લાખનો દેશી દારૂ પકડવામાં આવ્યો છે. જેમાં કુલ 17,248 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કુલ 1850 વાહન કબ્જે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં જુગારના કુલ 1837 કેસમાં કુલ 7677 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી મંત્રીએ કહ્યું હતું કે, દારૂ-જુગારની પ્રવૃત્તિ સંપૂર્ણમાં કાબૂ લેવા તેની સાથે જોડાયેલા ઈસમો સામે કડક હાથે કામ લઈને તેમની સામે અટકાયતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેમાં છેલ્લાં 3 માસમાં કુલ 5898 ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જયારે 525 વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી છે. દારૂની હેરફેરના કેસમાં જે વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે તેવા વાહનોને નવા કાયદા મુજબ છોડી શકાતા નથી. દારૂબંધીના કાયદામાં થયેલા ફેરફાર બાદ રાજ્ય પોલીસ દ્વારા અંદાજે કુલ 10 હજાર વાહનો જપ્ત કરવામાં આવ્યા છે જે પૈકી 6,000 જેટલા વાહનો હજુ પણ પોલીસ જપ્તી હેઠળ છે.  પોલીસ મહાનિર્દેશક દ્વારા નવતર પ્રયાસના ભાગરૂપે દારૂ/જુગારની પ્રવૃત્તિને બંધ કરાવવા માટે છેલ્લા એક માસમાં બે વખત આ હેતુની સ્પેશલ ડ્રાઇવ પણ કરવામાં આવી છે.   રાજ્યમાં નશાબંધીના ચૂસ્તપણે અમલ માટે સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગૃહ વિભાગ દ્વારા સોશ્યલ મીડિયાનો વ્યાપક સહયોગ મેળવવામાં આવી રહ્યો છે. નાગરિકો વોટ્સએપ અને એસ.એમ.એસ. દ્વારા માહિતી આપે છે, જેના પરિણામે આ સફળતા મળી છે. રાજ્ય સરકારે નશાબંધી ધારાને વધુ કડક બનાવ્યો છે. દારૂના ઉત્પાદન, ખરીદ-વેચાણ હેરફેર કરનારા ગુનેગારોની સજા 10 વર્ષની તથા રૂ.5 લાખના દંડની જોગવાઇ પણ કરી છે તેમ મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું.