રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ડિસેમ્બર 2019 (11:42 IST)

પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો 26મીએ ગાંધીનગરમાં ઉપવાસની ચીમકી

વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે શહીદ પરિવારોને એક કરોડ રૂપિયાની માંગણી સહિત 14 પડતર પ્રશ્નો મુદ્દે માજી સૈનિકોએ રેલી કાઢી હતી. રેલી બાદ યોજાયેલી સભામાં તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 26મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે અનશન ઉપર બેસવાની જાહેરાત કરાઇ હતી. ગુજરાતના માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા રાજ્યના પૂર્વ સૈનિકોના પડતર પ્રશ્નોને લઇ તેમના હક માટે લડતનો શુભારંભ કરાયો છે. વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરે રવિવારે ગુજરાતભરમાંથી માજી સૈનિકો એકઠા થયા હતા અને મંદિરથી રેલી કાઢી નગરમાં ફરી પરત મંદિર આવી હતી, જ્યાં યોજાયેલ સભામાં શહીદ પરિવારોને અન્ય રાજ્યો એક કરોડ રૂપિયા આપે છે, જયારે ગુજરાત સરકાર ચાર લાખ રૂપિયા આપતી હોવાથી આ માંગણી સહિત તેમના 14 પ્રશ્નોનો નિકાલ ન આવે તો 26મી જાન્યુઆરીએ ગાંધીનગર અનશન ઉપર બેસવાનું નક્કી કરાયું હતું. આ પ્રસંગે શહીદ સૈનિકોની 24 વીરનારીઓનું તેમજ 16 સિનિયર સિટીઝનનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. રાજ્ય માજી સૈનિક સંગઠન પ્રમુખ જીતેન્દ્ર નિમાવત, મહેસાણા જિલ્લા પ્રમુખ રમેશભાઇ ચૌધરી, ઉપપ્રમુખ હરગોવિંદભાઇ પરમાર તથા વડનગર તાલુકાના કાર્યકર્તા કિર્તિભાઇ શાહ, ગણેશભાઇ ચૌધરી તથા રાજ્યભરમાંથી પૂર્વ સૈનિકો હાજર રહ્યા હતા. માજી સૈનિકોને ગુજરાત સરકારી સેવામાં ફિક્સ પગાર નાબૂદ કરવા, વર્ગ-1થી વર્ગ-4 સુધીની નિમણૂંક વખતે માજી સૈનિકોને અનુસાર અનામતનો અમલ, શહીદ સૈનિકના એક પુત્રને અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી, સૈનિકોના પરિવારને જીવનનિર્વાહ માટે જમીન, ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં માજી સૈનિકોના સંતાનોને છુટછાટ, વ્યવસાય વેરો માફ કરવો તેમજ ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક બનાવવાની સહિત 14 માંગણીઓનો સમાવેશ થાય છે.