ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (11:01 IST)

કોરોનાની અસરને કારણે રાજ્યમાં અંગદાનનું પ્રમાણ 50 ટકા સુધી ઘટ્યું, છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ અંગદાન કરનારા રાજ્યોમાં ગુજરાત 9મા સ્થાને

કોરોના વાયરસે 2020ના સમગ્ર વર્ષને બાનમાં લઇ લીધું હતું અને તેની અસર અંગદાનના પ્રમાણમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં વર્ષ 2019 કરતાં વર્ષ 2020માં અંગદાનના પ્રમાણમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. 2019માં 815 જ્યારે 2020માં કુલ 439 લોકો દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું. 2018થી 2020 એમ ત્રણ વર્ષ દરમિયાન સૌથી વધુ અંગદાન કરવામાં તામિલનાડુ મોખરે જ્યારે ગુજરાત નવમાં સ્થાને છે.
2019માં અંગદાનના પ્રમાણમાં વધારો થયો હતો
 
ગુજરાતમાં 2018માં 145 દ્વારા મૃત્યુ બાદ જ્યારે 265 દ્વારા જીવતી વખતે એમ કુલ 410 લોકો દ્વારા અંગદાન કરાયું હતું. 2019માં અંગદાનના પ્રમાણમાં વધારો થયો હતો અને 168 લોકો દ્વારા મૃત્યુ બાદ, 647 લોકો દ્વારા જીવતી વખતે અંગદાન કરવામાં આવ્યું હતું. પરંતુ 2020ના પ્રારંભથી જ કોરોનાએ કેર વર્તાવતા અંગદાનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. ગત વર્ષે 97 લોકો દ્વારા મૃત્યુ બાદ અને 342 લોકો દ્વારા જીવતા અંગદાન કરવામાં આવ્યું હતું. આમ, 2019 કરતાં 2020માં અંગદાનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં 2019 કરતાં 2020માં અંગદાનના પ્રમાણમાં અડધોઅડધ ઘટાડો નોંધાયો હતો. 2019માં સમગ્ર દેશમાં 12 હજાર 746  દ્વારા જ્યારે 2020માં 6 હજાર 806 લોકો દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું.
કોરોનાના ભયને કારણે અંગદાનનું પ્રમાણ સામાન્ય રહ્યું
 
જાણકારોના મતે ગત વર્ષે લોકડાઉન તેમજ કોરોનાના ભયને કારણે અંગદાનનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું. પરંતુ હવે 2021ના વર્ષથી અંગદાન કરવાની સ્થિતિમાં સુધારો આવે તેવો આશાવાદ છે. 2018થી 2020 એમ ત્રણ વર્ષમાં સૌથી વધુ અંગદાન કરનારા રાજ્યોમાં તામિલનાડુ 4756 સાથે મોખરે, દિલ્હી 5365 સાથે બીજા અને મહારાષ્ટ્ર 3057 સાથે ત્રીજા સ્થાને છે. જોકે, સૌથી વધુ અંગદાન કરનારા રાજ્યોમાં ગુજરાત ટોચના 8 રાજ્યોમાં પણ નથી. ગુજરાતમાંથી છેલ્લા 3 વર્ષમાં 410 દ્વારા મૃત્યુ બાદ અને 1254 દ્વારા જીવતી વખતે અંગદાન કરવામાં આવ્યું હતું.
 
ગુજરાતમાં છેલ્લા 13 વર્ષમાં મૃત દાતા કિડની પ્રત્યારોપણ 943 રહ્યું
 
એક અહેવાલ પ્રમાણે વાર્ષિક ધોરણે કરવામાં આવતા ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. પરંતુ તેમ છતાં ભારતમાં અંગદાનનો દર નબળો જોવા મળે છે. ભારતમાં પ્રતિ મિલિયને અંગદાનનો દર 0.86 છે જ્યારે તેની સરખામણીમાં સ્પેનમાં 49.9, અમેરિકામાં 31.96 પ્રતિ મિલિયન દર જોવા મળે છે. અંગદાન પ્રતિજ્ઞાા અંગદાન જાગૃતતાનો તાર્કિક સંકલ્પ છે.
 
અમદાવાદમાં અંગદાન અંગે પ્રતિજ્ઞા લેનારની સંખ્યામાં વધારો 
 
છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં અંગદાન અંગેની જાગૃતિ અને અંગદાન અંગેની પ્રતિજ્ઞાા લેનારની સંખ્યામાં વધારો થયો છે. આમ, છતા આપણે  લાઇવ ડોનર્સ ઉપર આધાર રાખવો પડે નહીં અને કેડેવર ઓર્ગન ડોનેશન મારફતે જરૃરિયાતને પહોંચી વળીએ એવી પરિસ્થિતિ ઊભી કરવા માગીએ છીએ. આવી સ્થિતિમાં ૧૦ લાખ લોકો અંગદાન માટે પ્રતિજ્ઞાા લે તે માટે પ્રયત્ન શરૃ કર્યા છે તે માટે યંગ ઇન્ડિયા અને તેના જેવી સંસ્થાની મદદ જરૂરી બનશે.