શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 13 ઑગસ્ટ 2020 (13:50 IST)

વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે: ગુજરાતમાં 10 લાખ અંગદાનના વચન માટે હાથ ધરાશે ચળવળ

યંગ ઈન્ડીયન્સ દ્વારા વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં આરોગ્ય વિભાગનાં અગ્ર  સચિવ ડો. જયંતિ રવિ અને અન્ય મહાનુભવો પેનલ ચર્ચામાં સામેલ થશે
 
અંગ દાનને સૌથી મોટુ અને શ્રેષ્ઠ દાન ગણાવી રાજ્યના 10 લાખ લોકો અંગ દાન માટે પ્રતિજ્ઞા લે  તે માટે રાજ્યનો આરોગ્ય વિભાગ આયોજન કરી રહ્યો છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી જયંતિ રવિએ આ માહિતી યંગ ઈન્ડીયન્સ (YI) ના ઉપક્રમેગુરૂવારે અંગદાન વિષયે યોજાયેલી વર્ચ્યુઅલ પેનલ ચર્ચામાં આપી હતી.
 
દર વર્ષે 13 ઓગસ્ટ અંગ દાનના મહત્વ અંગે જાગૃતિ પેદા કરવા અને લોકોને અંગદાન માટે પ્રોત્સાહિત કરવા માટે મનાવવામાં આવે છે. આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ, ડો. જયંતિ રવિએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે “છેલ્લાં થોડાં વર્ષોમાં અમદાવાદમાં અંગદાન અંગેની જાગૃતિ અને અંગદાન અંગેની પ્રતિજ્ઞા લેનારની સંખ્યામાં વધારો થયો છે.  આમ છતાં આપણે  લાઈવ ડોનર્સ ઉપર આધાર રાખવો પડે નહીં. આપણે કેડેવર ઓર્ગન ડોનેશન મારફતે જરૂરિયાતને પહોંચી વળીએ એવી પરિસ્થિતિ ઉભી કરવા માંગીએ છીએ. આવી સ્થિતિ 10 લાખ લોકો અંગદાન માટે લોકો પ્રતિજ્ઞા લે તો ઉભી થઈ શકે છે. આ માટે અમને યંગ ઈન્ડિયન્સ અને અન્ય સંસ્થાઓની સહાયની જરૂર છે.”
 
તેમણે સ્ટેટ ઓર્ગન ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) ના કાનૂની માળખા અને રાજ્યમાં અંગદાનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર જે પગલાં લઈ રહી છે તે અંગે માહિતી આપી હતી.
 
સીમ્સ હોસ્પિટલના ડિરેક્ટર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, ડો. ધીરેન શાહ કે જેમણે અત્યાર સુધીમાં 10 થી વધુ દર્દીઓના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે તે જણાવે છે કે “ટ્રાન્સપ્લાન્ટ કરેલું હૃદય ધબકતું રહે તે ખૂબ જ આનંદદાયક ક્ષણ હોય છે.”
ડો. શાહે વધુમાં જણાવ્યું હતું કે “હાલમાં અંગદાન અંગે ઘણી કામગીરી થઈ રહી છે, પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી રહે છે. ભારતમાં લાખો લોકો અંગદાનની પ્રતિક્ષામાં હોય છે અને અંગદાન એ એક માત્ર એવો વિકલ્પ છે કે જે તેમને જીવતદાન આપી શકે તેમ છે. બીજુ, ભારત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બાબતે વિશ્વમાં બીજો નંબર ધરાવે છે, પણ તેમાંના 95 ટકા ટ્રાન્સપ્લાન્ટ જીવંત ડોનર મારફતે કરવામાં આવ્યા હોય છે અને કેડેવર ડોનર્સ માત્ર 5 ટકા જ હોય છે. 
 
દુનિયાભરમાં આનાથી વિપરીત ગુણોત્તર હોય છે. ભારતમાં અંગદાનનો દર માત્ર 0.34 ટકા છે, જ્યારે પ્રગતિશીલ દેશોમાં આ પ્રમાણ 30 થી 40 ટકા જેટલું છે. આપણે ભારતમાં આ દર વધારીને 10 ટકા સુધી લઈ જઈએ તો પણ અંગદાનની સંપૂર્ણ જરૂરિયાત હલ થઈ શકે તેમ છે.”
 
વાયઆઈ (Yi),અમદાવાદના ચેર, વિરલ શાહ જણાવે છે કે “યંગ ઈન્ડિયન્સે ઓર્ગન ડોનેશન સપ્તાહના ભાગરૂપે 50 શહેરોમાં 300 કરતાં વધુ પ્રવૃત્તિઓ હાથ ધરી છે.”
 
તેમણે જણાવ્યું હતું કે “અંગદાનનો પ્રથમ તબક્કો એ જાગૃતિ છે. યંગ ઈન્ડિયા અમદાવાદ આ મુદ્દે  વિવિધ કાર્યક્રમો  યોજીને જાગૃતિ પેદા કરવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અમે સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ સત્તા તંત્રો સાથે મળીને અંગદાન સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક માન્યતાઓ દૂર કરીશું.”
 
અભિનેતા પ્રતીક ગાંધી, ડીસીપી ટ્રાફિક (વેસ્ટ ઝોન), અમદાવાદ, તેજસ પટેલ, શતાયુ સીઈઓ ભાવના છાબરીયા અને આઈઆઈએમ, અમદાવાદના પ્રોફેસર રાજેશ છંદવાનીએ પણ વર્ચ્યુઅલ પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો.