બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 એપ્રિલ 2021 (10:49 IST)

હવામાને વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, અહીં પવન સાથે વરસી શકે છે વરસાદ

રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી સતત કમોસમી વરસાદના લીધે ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગામી 3 દિવસ હજુપણ થન્ડરસ્ટોર્મની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસી શકે છે.
 
વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે અમરેલી જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અલગ-અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ઉનાળુ પાકનું વાવેતર કરતા ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં હવામાન વિભાગે 1 લી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. 
 
અંબાજી પંથકમાં બે દિવસથી વાતાવરણમાં સતત પલટો આવતા ગુરૂવારે દિવસે પણ ગાજવીજ સાથે બરફના કરાવાળો કમોસમી વરસાદ વરસતા રોડ રસ્તાઓ ઠેર-ઠેર કરા સાથે પાણી ફરી વળ્યા હતા. બપોર બાદ વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
 
બોટાદ જીલ્લાના ઢસાગામ સહિત આજુ બાજુના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ થતાં વરસાદી પાણી બજારોમાં વહેતા થયા હતા. જો કે આ માવઠાતી તૈયાર ખેત પેદાશ પલળી જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
 
હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. દરિયામાં ભેજનું પ્રમાણ વધતાં આ ફેરફાર જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં પણ વાદળ છાયુ વાતાવરણ રહેશે, તથા તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.