રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 મે 2021 (11:44 IST)

હવે માત્ર કોગળા કરીને કરી શકશો કોરોના ટેસ્ટ, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તાર માટે આર્શિવાદરૂપ

કોવિડ-19ની મહામારી ફાટી નીકળી છે ત્યારથી ભારતે તેના પરિક્ષણ કરવાના માળખામાં તથા ક્ષમતમાં વિવિધ પ્રયાસો સાથે વૃદ્ધિ કરી છે. સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કાઇન્સિલ (સીએસઆઈઆર) હેઠળના નેશનલ એનવાયર્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI)ના નાગપુર સ્થિત વૈજ્ઞાનિકોએ કોવિડ-19 પરિક્ષણના સેમ્પલ માટે ‘સલાઇન ગાર્ગલ (કોગળા) આરટી-પીસીઆઈ પદ્ધતિ’ વિકસાવીને સંશોધનની આ યાત્રામાં વધુ એક સિમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.
 
આ પદ્ધતિ સંખ્યાબંધ રીતે ફાયદાકારકઃ સરળ, ઝડપી, સાનુકૂળ અને કિફાયતી
સલાઇન ગાર્ગલ (કોગળા) પદ્ધતિ સંખ્યાબંધ આકર્ષક લાભો ઓફર કરે છે, તે તમામ એકમાં જ સમાઈ જાય છે. તે સરળ, ઝડપી, કિંમતમાં પોષાય તેવી, દર્દીને અનુકૂળ આવે તેવી તથા આરામદાયક છે. આ ઉપરાંત તે તાત્કાલિક પરિણામ આપે છે અને ખાસ તો ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારો માટે અત્યંત અનુકૂળ છે. તેમાં લઘુત્તમ માળખાની જરૂર પડે છે. 
 
આ અંગે પીઆઈબી સાથે વાત કરતાં NEERIના એનવાયર્મેન્ટલ વાયરોલોજી સેલના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ક્રિષ્ણા ખૈરનારે જણાવ્યું હતું કે “ સ્વેબ કલેક્શન પદ્ધતિમાં સમયની જરૂર પડે છે. વધુમાં તે થોડી આક્રમક ટેકનિક છે જે દર્દી માટે થોડી પ્રતિકૂળ છે. ક્યારેક કલેક્શન સેન્ટર સુધીના પરિવહન દરમિયાન તે ખોવાઈ જવાનું પણ જોખમ રહે છે. બીજી તરફ સલાઈન ગાર્ગલ આરટી-પીસીઆર પદ્ધતિ ત્વરિત છે, આરામદાયક છે અને દર્દીને અનુકૂળ આવે તેવી છે. સેમ્પલ તરત જ લઈ શકાય છે અને તેના ટેસ્ટિંગનું પરિણામ ત્રણ કલાકમાં જ આવી જાય છે.”
ખુદ દર્દી જાતે જ સેમ્પલ કલેક્ટ કરી શકે છે
આ પદ્ધતિ એકદમ સરળ છે અને જરાય આક્રમક નથી જેને કારણે દર્દી જાતે જ તેનું પોતાનું સેમ્પલ કલેક્ટ કરી શકે છે. તેમ કહીને ડૉ. ખૈરનારે જણાવ્યું હતું કે “ નાસોફોરિન્જિયલ અને ઓર્ફેરિન્જિયલ જેવી પદ્ધતિમાં સેમ્પલ કલેક્શનમાં ટેકનિકલ નિષ્ણાતની જરૂર પડતી હોય છે આ ઉપરાંત તેમાં સમય પણ વધારે લાગે છે. 
 
તેનાથી તદ્દન વિપરીત સલાઇન ગાર્ગલ આરટી-પીસીઆર ટેસ્ટની પદ્ધતિમાં સલાઈનના દ્રાવણથી ભરેલી સેમ્પલ કલેક્શન ટ્યૂબનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દી આ દ્રાવણના કોગળા કરીને તેને ટ્યૂબની અંદર ભરી દે છે. આ સેમ્પલને લેબોરેટરીમાં લઈ જવામાં આવે છે જ્યાં તેને રૂમ ટેમ્પરેચર (તાપમાન)માં NEERI દ્વારા ખાસ તૈયાર કરાયેલા બફર સોલ્યુશનમાં રાખવામા આવે છે. 
 
આ દ્રાવણ ગરમ થઈ જાય ત્યારે એક આરએનએ ટેમ્પલેટ રજૂ કરવામાં આવે છે જે આરટી-પીસીઆર માટે આગળ પ્રક્રિયા કરે છે. આ ખાસ પદ્ધતિને કારણે અમે કલેક્શન અને તેના પરિક્ષણની પ્રક્રિયાને આસાન બનાવી શક્યા છીએ જેમાં અન્યથા આરએનએ પરિણામ માટે ખર્ચાળ માળખાની જરૂર પડતી હોય છે. લોકો તેમની જાતે જ ટેસ્ટ કરી શકે છે કેમ કે આ પદ્ધતિ સેલ્ફ-સેમ્પલિંગને મંજૂરી આપે છે.” આ પદ્ધતિ પર્યાવરણને અનુકૂળ હોવાથી બગાડનું પ્રમાણ ઘણે અંશે ઘટાડી દે છે.
 
ગ્રામ્ય અને આદિવાસી વિસ્તાર માટે વરદાન સ્વરૂપ છે
વૈજ્ઞાનિકોને અપેક્ષા છે કે પરિક્ષણની આ નવીનતમ પદ્ધતિ ખાસ કરીને ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારો માટે વરદાન સ્વરૂપ છે જ્યાં માળખાગત સવલતોમાં હાલાકીનો સામનો કરવો પડે છે. આ ટેકનિકને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની મંજૂરી મળી છે. NEERIને આ પદ્ધતિને સમગ્ર દેશમાં પહોંચાડવા માટે તેની ટેસ્ટિંગ લેબને તાલીમ આપવાનું કહેવામાં આવ્યું છે.
નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને આ પદ્ધતિ પ્રમાણે કામ કરવા આગળ ધપવાની મંજૂરી આપી દીધી છે જેને પરિણામે NEERI ખાતે પરિક્ષણના પ્રોટોકોલને અનુસરીને ટેસ્ટિંગનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
 
“પાન ઇન્ડિયાનું અમલીકરણ જરૂરી છે”
NEERI ખાતેના એનવાયર્મેન્ટલ વાયરોલોજી સેલના વૈજ્ઞાનિકો, સંશોધકો અને લેબ ટેકનિશિયનોએ વિદર્ભ પ્રાંતમાં કોવિડ-19ની વધતી જતી અસર વચ્ચે પણ દર્દીને રાહત પહોંચાડનારી આ પદ્ધતિ વિકસાવવામાં આકરી મહેનત કરી છે. ડૉ. ખૈરનાર અને તેમની ટીમને આશા છે કે આ પદ્ધતિનો રાષ્ટ્રીય કક્ષાએ અમલ કરાશે  જેને પરિણામે ઝડપી પરિણામ મળશે અને નાગરિકોને વધારે અનુકૂળતા રહેશે જેથી કોરોનાની મહામારી  સામેના આપણા જંગને વધુ મજબૂત બનાવી શકાશે.