શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 જુલાઈ 2021 (09:32 IST)

આજથી રાજ્યભરમાં ધોરણ 12ની સ્કૂલો, કોલેજો ઓફલાઇન શરૂ થશે, સ્કૂલ સંચાલકોની મુંઝવણ વધી

કોરોનાના કેસ ઘટતા ધો.12ની ઓફલાઈન સ્કૂલો-કોલેજો-હોસ્ટેલ 15મી શરૂ કરવા માટેની સરકારે જાહેરાત કરી હતી. 15 જુલાઈથી સ્કૂલો-કોલેજો શરૂ કરવાનો પરિપત્ર-માર્ગદર્શિકા 24 કલાક અગાઉ 14મીને બુધવારે જાહેર કરાયો અને તેમાં પણ વાલીના સંમતિપત્રક લેવાનો આદેશ શિક્ષણ વિભાગે કરતા સંચાલકો કફોડી હાલતમાં મુકાયા છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે પણ રાજ્યની શાળાઓના સંચાલકોમાં જ નહીં વિદ્યાર્થી-વાલીઓમાં કંઈક અંશે મૂંઝવણ ઊભી થઈ હોવાનું જણાવ્યું છે.

પરિપત્રમાં સ્કૂલો 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે. વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કૂલના સ્ટાફને કોરોના સંબંધિત તમામ પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ સાથે જ ક્લાસરૂમને રેગ્યુલર સેનિટાઈઝ કરવા પણ જણાવાયું છે. શિક્ષણ વિભાગે વાલીઓના સંમતિપત્રનું ફોર્મેટ પણ જારી કર્યું છે. ઓફલાઈન વિકલ્પ ન પસંદ કરનાર વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખી શકાશે. જે સ્કૂલોમાં એકઝામ સેન્ટર હશે તે સ્કૂલોમાં સવારે ઓનલાઈન-ઓફલાઈન ટીચિંગ કરાવવું પડશે. બપોરે એક્ઝામનું સુપરવિઝન કરવું પડશે. છેલ્લી ઘડીએ પરિપત્ર કરાયો છે, તેથી સ્કૂલોએ વાલીના સંમતિપત્રકની વિગતો વેબસાઈટ પર મૂકી છે. છેલ્લી ઘડીએ પરિપત્ર કરાતાં સ્કૂલ સંચાલકો જ નહીં, વિદ્યાર્થી-વાલીઓમાં પણ મૂંઝવણ ઊભી થઈ છે. કોલેજોમાં દરવાજા પર ટેમ્પરેચર માપવાનું રહેશે, એકબીજાને અડવાનું હોય તેવી સ્પોર્ટ્સ ગેમ રમાડવા પર પ્રતિબંધ છે. કોલેજના દરેક ફલોર સેનિટાઇઝ્ડ રાખવો રહેશે. વિદ્યાર્થીઓ એકસ્થળે એકઠા થઈ શકશે નહીં તેમ જ હાથ મિલાવી શકશે નહીં. લેબોરેટરી,જિમ,લાઇબ્રેરીમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે. હોસ્ટેલમાં એક રૂમમાં બે વિદ્યાર્થી રહી શકશે.