ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2019 (12:07 IST)

ગરીબોની કસ્તૂરી ડુંગળીના ભાવ કિલોના 100થી 120 પહોંચી જતા લોકો ત્રસ્ત

ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે ડુંગળીનો પાક ધોવાઇ જતા ગરીબોની કસ્તુરી ડુંગળી હાલમાં બજારમાં રૂપિયા 100ના કિલોના ભાવે વેચાઇ રહી છે. જ્યારે ડુંગળીની સરખામણીએ સફરજન બજારમાં પ્રતિ કિલો રૂપિયા 80ના ભાવે વેચાઇ રહ્યા છે. આસમાને જતા ડુંગળીના ભાવને પગલે ગરીબોની થાળીમાંથી ડુંગળી સરકી રહી છે. ઓગસ્ટના છેલ્લા વીકમાં શરૂ થયેલો વરસાદ નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી વરસતા ખેતરો પાણીથી ભરાઇ જવાથી ડુંગળીનો પાક ધોવાઇ ગયો હતો. ભારે વરસાદે ચાલુ વર્ષે મહારાષ્ટ્ર અને કાઠિયાવાઠમાં ડુંગળીના પાકને ધોઇ નાંખ્યો છે. જેને પરિણામે નાસિક, પુના, મહુવા, ગોંડલ, ભાવનગર, હુબલીની ડુંગળીની આવક ઘટી જવા પામી છે. આથી જે ડુંગળી સમયસર બજારમાં આવવી જોઇએ તે ડુંગળી બે મહિના મોડી પડી છે. જેને પરિણામે બજારમાં ડુંગળીની અછત સર્જાતા ભાવ રોકેટ ગતિએ આસમાને પહોંચી ગયો છે. ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ સફરજનથી પણ વધી જતા ગરીબોના ભોજનમાં ડુંગળી દેખાતી બંધ થઇ છે. વર્ષ-2013માં દલાલોએ મલાઇ ખાવા માટે ડુંગળીને ગોડાઉનમાં ભરી દઇને બજારમાં કુત્રીમ અછત ઉભી કરી હતી. જેને પરિણામે ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 100 થી 120 પર પહોંચી ગયો હતો.જિલ્લામાં ડુંગળીનું વેચાણ કરતા નાના મોટા 200 જેટલા વેપારી છે.