પાણીપુરીના ચણા, ચણા-ચટકા, ચટણીના 21માંથી ચાર જ નમૂના સબસ્ટાન્ડર્ડ !

Last Modified બુધવાર, 22 ઑગસ્ટ 2018 (13:15 IST)

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ પાણીપુરીવાળાને ત્યાં ગયા મહિને સપાટો બોલાવીને લીધેલા પાણીપુરીનું પાણી, બટાકા-ચણાનો માવો, મીઠી ચટણી, તીખી ચટણીના ૨૧ જેટલાં સેમ્પલમાંથી માત્ર ૪ જ સબસ્ટાન્ડર્ડ નીકળતાં 'ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર' જેવો ઘાટ થયો છે.
પાણીપુરીની લારીઓ પર જઈને સડી ગયેલાં બટાકા કેમેરા સામે બતાવીને પાણીપુરીના પાણીના વાસણો રોડ પર જ ઉંધા વાળી દીધાં હતાં. આ દ્રશ્યો જોઈને લોકોને થયું હતું કે, પાણીપુરીને તો હાથ પણ ના લગાડવો જોઈએ. પરંતુ લેબોરેટરીના પરિક્ષણ બાદનું પરિણામ આશ્ચર્યજનક રીતે એથી તદ્દન ઉંધું આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતાં ત્યાં પાણીપુરી પર મુકેલાં પ્રતિબંધ બાદ સફાળા જાગીને દોડતાં થયેલાં અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ એવું ચિત્ર ઊભું કરી દીધું હતું કે, પાણીપુરી હેલ્થની દ્રષ્ટિએ અત્યંત હાનીકારક છે. લારીઓ અને ખૂમચાઓવાળાઓ સંતાઈ ગયા હતા. અંતે નાયબ મુખ્યમંત્રીને જાહેરાત કરવાની ફરજ પડી હતી કે, પાણીપુરી ઉપર પ્રતિબંધ નથી.
બીજી તરફ મ્યુનિ.એ લીધેલા નમૂનામાંથી (૧) મહાલક્ષ્મી પાણીપુરીવાળાની મીઠી ચટણી (૨) અપના બજાર લાલદરવાજાનું પાણીપુરીનું પાણી (૩) ઓઢવમાં ફરતી લારીનો પાણીપુરીનો રગડો અને વિસ્તારનું નામ નથી લખ્યું તેવા એક પાણીપુરીવાળાની મીઠી ચટણી સબસ્ટાન્ડર્ડ - ઉતરતી ગુણવત્તાવાળી જણાઈ છે, તે ખાવામાં બહુ વાંધો ના આવે. એક પણ પદાર્થ 'અનસેફ' જણાયો નથી. આ સિવાય છ પાણીપુરીનું પાણી, સાત બાફેલા ચણા, એક પુરી, બાકીના ચટણીના નમુના ખાવા માટે ઓકે-પ્રમાણિત ઠર્યા છે. આ પરિણામ જોતાં લાગે છે કે, પાણીપુરી સામેની ઝુંબેશ પાયા વગરની હતી અને જે બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ અને પાણીનો નાશ કરાયો તે બાબત અધ્ધરતાલ હતી.
જે શંકાસ્પદ ચીજના નમૂના લેવાયા તે જો પ્રમાણીત ઠર્યા તો લેનારની દાનત અને પરિક્ષણ કરનાર લેબ જ શંકાના દાયરામાં મુકાય જાય છે. અગાઉ એવું બનતું હતું કે ચેક કરવા લીધેલા સેમ્પલ જ તગડો હપ્તો આપો એ લેબોરેટરીમાં જ બદલાઈ જાય. અત્યારે પણ હેલ્થના કર્મચારીઓ નમૂના લેવા જાય ત્યારે જો વેપારી સમજીને વહીવટ કરી નાખે તો વેપારી કહે તે પેક ડબ્બો તોડીને તેલના નમૂના લે, ખુલ્લાં પડેલાં ડબ્બામાંથી નહીં.
આમ પાણીપુરીનું શું રંધાયું તે પ્રશ્ન છે? જો પાણીપુરીનું પાણી, બટાકા-ચણાનો માવો, ચટણી બધું જ ખાવાલાયક પ્રમાણિત છે, તો પછી હેલ્થ ખાતાની ઝુંબેશ માત્ર વડોદરા સાથે હિસ્સો હિસ્સો કરવા માટે સમજ્યા વગરની હતી? આમ, હેલ્થ ખાતાએ સડેલા બટાકા બતાવી પ્રચાર કર્યો હતો તે બટાકા લેબોરેટરીમાં જ ગુણવત્તાયુક્ત થઈ ગયા? આ પ્રશ્નો અનુત્તર છે. હેલ્થ ખાતું અને લેબોરેટરીના રિપોર્ટમાં રહેલાં તિવ્ર વિરોધાભાસે શંકા સહિતના અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. કેટલાંક નમૂના તો ક્યાંથી લેવાયા તે વિસ્તારોના નામ પણ નથી લખાયા.આ પણ વાંચો :